જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવાને માતા અને પરિવારજનોને છોડીને પ્રેમલગ્ન કર્યાં હતા. પરંતુ આ પ્રેમલગ્ન બાદ યુવાને તેની સાસુના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયા બાદ પોલીસે મૃતકના માતાની ફરિયાદના આધારે સાસુ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા દિલીપભાઇ જેઠવાણી નામના યુવાને થોડાં સમય પહેલાં નમ્રતાબેન મંડલી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને આ પ્રેમલગ્ન પહેલાં જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતા માતા વિદ્યાબેન ચંદ્રકાંતભાઇ જેઠવાણી અને પરિવારનેે છોડીને પ્રેમલગ્ન કર્યા બાદ દિલીપ અને તેની પત્ની નમ્રતાબેન અલગ રહેતાં હતાં. જ્યાં નમ્રતાબેનની માતા દીપાબેન કિશોર સોલંકી અવારનવાર તેની પુત્રીના સાસરે આવતી હતી. જ્યાં તેની પુત્રી નમ્રતા અને જમાઇ દિલીપ વચ્ચે નાની-નાની બાબતોમાં ઝઘડો કરાવતી હતી અને જમાઇની આવક બરાબર નથી અને તેની પુત્રીને રૂપિયા આપતો નથી તેમ જણાવી જમાઇને જુદા જુદા પ્રકારે હેરાન પરેશાન કરતી હતી. તેમજ જમાઇ તથા તેમના માતા વિદ્યાબેનને જેમ ફાવે તેમ બોલતા હતા અને પુત્રીનું લગ્નજીવન સરખું ચાલવા દીધું ન હતું.
તેમજ સાસુ દીપાબેનએ જમાઇ દિલીપ સાથે અવારનવાર ઝઘડો કરી તેની પુત્રી નમ્રતાને તેની સાથે લઇ ગઇ હતી. ત્યારબાદ દિલીપે તેની પત્ની નમ્રતા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાસુ દીપાબેનએ જમાઇને વાત કરવા દીધી ન હતી. દરમ્યાન સાસુ દીપાબેન કિશોર સોલંકી દ્વારા પુત્રીનું લગ્નજીવન ચાલવા ન દઇ જમાઇને જુદા જુદા પ્રકારે ત્રાસ આપતાં હતા. સાસુના ત્રાસથી કંટાળીને દિલીપ જેઠવાણીએ જામનગર-સમાણા રોડ પર દડિયા ગામ પહેલાં આવેલા ફોરેસ્ટ રિસોર્ટ પાસેના રોડ પર ગત્ તા. 17ના રોજ બપોરના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણના આધારે પીએસાઇ એચ. વી. રોયલા તથા સ્ટાફે દિલીપભાઇએ લખેલી ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ કબ્જે કરી જેમાં યુવાન અને તેની માતા અને બહેનની માફી માંગે છે તેમજ તેના આ પગલાં માટે તેની સાસુ જ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાસુ દ્વારા દિલીપભાઇ અને તેની પત્ની નમ્રતાબેનના લગ્નજીવનમાં ભંગાણ પાડી દંપતિને દૂર કરવાનો પ્રયાસ કરતી હતી. ઉપરાંત દિલીપભાઇને તેની પત્નીનું મોઢું પણ જોવા દેતી ન હતી. દિલીપનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. બનાવની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની માતા વિદ્યાબેનના નિવેદનના આધારે મૃતકની સાસુ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.