વર્તમાન ઓનલાઈન તેમજ ટેકનોલોજીના સમયમાં લોકો વિવિધ પ્રકારે ઓનલાઈન પેમેન્ટ તેમજ જુદી જુદી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. ત્યારે કેટલાક લોકોની જાણ બહાર અથવા બેદરકારીથી તેઓ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને છે. આવી પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો સાથે થયેલી છેતરપિંડી અંગે તાત્કાલિક જરૂરી પગલાં લેવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા સાયબર ક્રાઇમ વિભાગને આપવામાં આવેલી જરૂરી સૂચનાઓને અનુલક્ષીને તાકીદની કાર્યવાહી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા બે કેસમાં બે આસામી સાથે બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ દ્વારા તેમજ .એપીકે ફાઈલ મોકલી અને વિવિધ પ્રકારે છેતરપિંડી કરનારા બે શખ્સોને જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઉત્તર દિલ્હી અને ગ્વાલિયર (મધ્યપ્રદેશ)થી દબોચી લીધા હતા.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીના કોઈ ગઠિયાઓ દ્વારા આધારકાર્ડના નંબર મેળવી, અને રૂ. 66,000 ની ઠગાઈ આચરવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદને અનુલક્ષીને પી.આઈ. વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા આખા નેટવર્કનો પર્દાફાસ કરવામાં આવ્યો છે.
જેમાં ઉત્તર દિલ્હીના કરવાલ નગર વિસ્તારમાં રહેતા સંજય હીરા લાલ નામના 28 વર્ષના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી શખ્સ દ્વારા પોતાની આવડત અને ટેકનિકલ નોલેજના આધારે ભોગ બનનારના આધાર કાર્ડ નંબર મેળવી અને આધારકાર્ડ સાથે લીંક થયેલા બેંક ખાતાઓમાંથી તેમની જાણ બહાર ઓનલાઈન પેમેન્ટ મેળવી લઈ અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી, આરોપીની અટકાયત કરી લીધી હતી.
અન્ય એક ઠગાઈમાં દ્વારકામાં રહેતા એક આસામીને ગત તારીખ 5 મી ફેબ્રુઆરીના રોજ કોઈ ગઠિયાએ મોબાઈલ ફોનમાં વોટ્સએપ મારફતે .એપીકે નામની ફાઈલ મોકલાવી મોબાઈલના એક્સેસ લઈ લેવામાં આવ્યા હતા. આ પછી તેમના ધ્યાન બહાર તેમના બેંક ઓફ બરોડા માંથી રૂ. 50,000 ની રકમ ઉપાડી લઈ અને છેતરપિંડી આચરવામાં આવી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાને અનુલક્ષીને પી.આઈ. વી.કે. કોઠીયાની ટીમ દ્વારા આરોપીની ભાળ મેળવીને આ પ્રકરણમાં મધ્યપ્રદેશ રાજ્યના ગ્વાલિયર વિસ્તારમાં રહેતા વિષ્ણુ પ્રતાપસિંહ બ્રિજ કિશોરસિંહ નામના 21 વર્ષના રાજપૂત શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપી દ્વારા યુક્તિપૂર્વક કોઈ આસામીને મોબાઈલ ફોનમાં .અઙઊં ફાઇલ મોકલી અને તેમના મોબાઈલના તમામ એક્સેસ મેળવી લેવામાં આવતા હતા. જેમાં રહેલી બેન્કિંગ એપ્લિકેશન, મેસેજ, કોન્ટેકટ નંબરો, વિગેરેના એક્સેસનો ઉપયોગ કરી અને જે-તે આસામીના બેન્ક એકાઉન્ટ કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડમાંથી તેમની ધ્યાનમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન લઈ અને આ પૈસાના ઓનલાઈન ગિફ્ટ વાઉચર ખરીદી લઈને આયોજનબધ્ધ રીતે છેતરપિંડી આચરવામાં આવતી હતી.
આ પ્રકરણમાં પોલીસે રૂ. સવા લાખની કિંમતના બે મોબાઈલ ફોન, રૂ. 30,000ની કિંમતનું લેપટોપ તેમજ વાઇફાઇ રાઉટર સાથે આરોપી શખ્સની વિધિવત રીતે અટકાયત કરી લીધી હતી. આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા, પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ, એસ.વી. કાંબલીયા, ધરણાંતભાઈ બંધીયા, ભરતભાઈ ચાવડા, હેભાભાઈ ચાવડા, અજયભાઈ વાઘેલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
લોકો પાસે રહેલો પોતાના આધાર કાર્ડ નંબર કે જે અન્ય જગ્યાએ લિંક કરવામાં આવ્યો હોય, તેનો ઉપયોગ દરમિયાન જ તે અનલોક રાખવા તેમજ આધાર નંબરની જરૂરિયાત ન હોય તો ચોક્કસ એપ્લિકેશન કે વેબસાઈટ પર જઈને આધારકાર્ડ અને બાયોમેટ્રિક લોક રાખવા તથા જરૂર જણાય તો સાયબર ક્રાઈમ વિભાગના હેલ્પલાઈન નંબર 1930 ઉપર અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં આવતી એપ્લિકેશન ન ખોલવા પણ વધુમાં જણાવાયું છે.