જામનગર શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. તેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ પાંચ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોના તેનો પગપેસારો ફેલાવતો જાય છે. હવે કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 95 થઇ ગઇ છે. પાંચ પોઝિટિવ કેસમાં એક આઠ માસની બાળકીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. આ કોરોનાને કારણે મોતની સંખ્યામાં પણ ધીમે ધીમે વધારો થતો જાય છે. આ વખતે કોરોના વાયરસ અગાઉના પ્રમાણમાં ઓછો ખતરનાક હોવાનું અત્યાર સુધીમાં થયેલા પોઝિટિવ કેસના તારણ ઉપરથી જાણવા મળી રહ્યું છે. પરંતુ કોરોના વાયરસને વકરતો અટકાવી શકાય તેવી સ્થિતિ આજે પણ નથી. ગુજરાત રાજ્યના લગભગ દરેક મોટા શહેરોમાં કોરોના વાયરસનું સંક્રમણ વકરી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને મેટ્રો શહેરમાં સંક્રમણ અનેકગણુ વધી ગયું છે. જો કે, અમદાવાદ અને રાજકોટમાં તો કોરોના પોઝિટિવ દર્દીના મોત પણ નિપજયા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં છેલ્લા 24 કલાકના આંકડા મુજબ પાંચ વ્યકિતઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પાંચ વ્યકિતઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કુલ કોરોના કેસની સંખ્યા 95 સુધી પહોંચી ગઇ છે.
જામનગર શહેરના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100 થવામાં હવે માત્ર પાંચ કેસ બાકી છે ત્યારે ગઇકાલે કુલ 7 દર્દીઓની તબીયત સારી થઇ જતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમજ કુલ હોમ આઇસોલેશન દર્દીઓની સંખ્યા 49 થઇ છે. આજ દિવસ સુધીમાં કુલ 46 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગઇકાલે કોરોના પોઝિટિવ નોંધાયેલા દર્દીઓમાં જોડિયા ભુંગા વિસ્તારમાં રહેતી આઠ માસની માસુમ બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમજ હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા 60 વર્ષના વૃદ્ધ તથા કૃષ્ણકોલોની વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતી શ્રીનિવાસ કોલોનીમાં રહેતા 29 વર્ષના યુવાન તથા ગ્રીનસિટીના 35 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો.