અમદાવાદથી લંડન ખાતે ગઈકાલે ગુરુવારે જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એકાએક ક્રેશ થઈ જતા આ વિમાનમાં સવાર 12 ક્રુ મેમ્બર સહિત કુલ 242 યાત્રાળુઓના અકસ્માતે કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ કાળજુ કંપાવી દેનારી ઘટના અંગે ખંભાળિયા સાથે સમગ્ર રાજ્યમાં ઘેરો શોક પ્રસરી જવા પામ્યો છે.
ભારતીય તેમજ વિદેશી નાગરિકો સાથેના આ વિમાનના સાથે સર્જાયેલી દુર્ઘટના અંગે ખંભાળિયાવાસીઓએ પણ ભારે દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. આ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા હતભાગીઓને અહીંના અગ્રણી મનુભાઈ તન્ના, જયસુખભાઈ પીંડારાવારા, યોગેશભાઈ મોટાણી, સામાજિક કાર્યકર વિકી રૂઘાણી, વિગેરે સાથે જુદી જુદી સંસ્થાઓ લાયન્સ ક્લબ, માનવ સેવા સમિતિ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગ્રીન ખંભાળિયા, વિગેરેના કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ કમનશીબ દુર્ઘટનામાં લંડન ખાતે રહેલા પત્ની – પુત્રીને મળવા જતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અકાળે અવસાન થતાં આ બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, શહેર પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, દિનેશભાઈ દતાણી, જગુભાઈ રાયચુરા, પી.એસ. જાડેજા, વનરાજસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ જાડેજા, રાજુભાઈ ભરવાડ, સહિતના હોદ્દેદારો-કાર્યકરોએ એક પીઢ અને અડીખમ નેતાની ખોટ થઈ હોવાના સુર સાથે દુ:ખ વ્યક્ત કરીને વિજયભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.