પેપર લીક કૌભાંડ મામલે દિલ્હીમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી પર થયેલ લાઠી ચાર્જના પડઘા જામનગરમાં જોવા મળ્યા હતાં. કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ ઉપર થયેલ લાઠી ચાર્જના વિરોધમાં ટાઉન હોલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને શિક્ષણ મંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાના સુત્રોચ્ચાર કરાયા હતાં. આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસ દોડી જઇ વિરોધ પ્રદર્શન કરી રહેલા પૂર્વ સાંસદ સહિતના આગેવાનોની અટકાયત કરી હતી.
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા પેપર લીક કૌભાંડ તેમજ દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સવારે ટાઉનહોલ સર્કલ નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલા વિરોધ દરમિયાન કાર્યકરો હાથમાં ‘લાઠી નહીં, સંવાદ જોઈએ’ તેમજ પેપર લીક વિરોધી બેનરો અને પોસ્ટરો સાથે ટાઉનહોલ સર્કલ ખાતે પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાતા પોલીસ તંત્ર દોડતું થયું હતું.
View this post on Instagram
આ કાર્યક્રમમાં જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે પૂર્વ સાંસદ વિક્રમ માડમ, દિગુભા જાડેજા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયતમાં લેવાયેલા તમામને પ્રથમ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા બાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
કોંગ્રેસના આગેવાઓએ જણાવ્યું હતું કે પેપર લીક જેવી ઘટનાઓને કારણે લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાના બદલે તેમના પર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે પેપર લીક કૌભાંડમાં જવાબદારી નક્કી કરી કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારવાની તથા વિદ્યાર્થીઓ સાથે સંવાદ દ્વારા પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.


