અમદાવાદ, 27 ઓગસ્ટ, 2026: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.)ની ત્રીજી સીઝનના પ્રારંભ માટે સંપૂર્ણપણે સજ્જ છે. જી.એસ.એલ. સીઝન-3નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે ટ્રાન્સસ્ટેડિયા એરેના, અમદાવાદ ખાતે થશે. ગુજરાતમાં વધુ મજબૂત ફૂટબોલ ઇકોસિસ્ટમ ઊભી કરવાના રાજ્યના પ્રયાસોની દિશામાં આ વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. જી.એસ.એફ.એ. ના ઉપપ્રમુખ શ્રી પ્રદિપસિંહ વાઘેલાએ જી.એસ.એફ.એ.ના પદાધિકારીઓ તથા જી.એસ.એલ.ના ટીમ માલિકોની હાજરીમાં જી.એસ.એલ.-3ની ટ્રોફી તથા ટીમ જર્સીનું અનાવરણ કર્યું.
જી.એસ.એલ.-3માં રમી રહેલા U-20 ફૂટબોલરમાંથી બે ખેલાડીઓની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટીક ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમવા માટેના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મનની સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બૉસ ટેકનોલોજી આ ખેલાડીઓની પસંદગી કરવા માટે સ્પોર્ટ્સ ઇન્ટલિજન્સનો ઉપયોગ કરીને સહાયતા કરશે.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલો યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. બે લાખની એક્સ-ગ્રેશિયા ચૂકવણીની પણ જાહેરાત કરવામાં આવી હતી.
પ્રથમ બે સીઝનને મળેલા ઉત્સાહજનક પ્રતિસાદ બાદ જી.એસ.એલ.ની ત્રીજી સીઝન વધુ સ્પર્ધાત્મક અને રોમાંચક બનવાની અપેક્ષા છે. તેમાં ગુજરાતની ફૂટબોલ પ્રતિભાઓને એક મંચ પર આવવાની અને ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે ઉચ્ચ ગુણવત્તાનું પ્લેટફોર્મ મળશે.
સીઝનના પ્રારંભ પૂર્વે વાત કરતાં જી.એસ.એફ.એ.ના પ્રમુખ શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે જી.એસ.એલ.ની ત્રીજી સીઝન ગુજરાતની ફૂટબોલ યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. તેમણે જણાવ્યું, “જી.એસ.એલ. માત્ર એક સ્પર્ધા નથી; ગુજરાતમાં ફૂટબોલના વિકાસ માટેની અમારી વ્યાપક દૃષ્ટિનો તે એક મહત્વપૂર્ણ હિસ્સો છે. અમારો ઉદ્દેશ પ્રતિભાશાળી ખેલાડીઓને તકો પૂરી પાડવાનો, વધુને વધુ લોકોને ફૂટબોલ સાથે જોડવાનો અને એવું વાતાવરણ ઊભું કરવાનો છે જેમાં રાજ્યના યુવાનો માટે ફૂટબોલ પસંદગીની રમત બને.”

ફૂટબોલ ચાહકોને લીગ સાથે વધુ નજીકથી જોડવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલરૂપે જી.એસ.એફ.એ. દ્વારા એક સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. આ એપ દ્વારા જી.એસ.એલ. ઉપરાંત જી.એસ.એફ.એ.ની વિવિધ પ્રવૃત્તિઓની વિગતો મેળવવામાં સરળતા રહેશે. આ એપને ગુજરાત ફૂટબોલ માટેના વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવી છે, જ્યાં ચાહકોને જી.એસ.એલ.ના ફિક્સ્ચર્સ, મેચ શેડ્યૂલ, પરિણામો, ટીમોની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ, લીગ સંબંધિત વિકાસ, ફોટોગ્રાફ્સ અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ્સ ઉપલબ્ધ થશે.
શ્રી નથવાણીએ જણાવ્યું હતું કે નવા ડિજિટલ પ્લેટફોર્મના લોન્ચિંગથી લીગ અને તેના સમર્થકો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે. તેમણે જણાવ્યું, “અમે ઇચ્છીએ છીએ કે જી.એસ.એલ. માત્ર સ્ટેડિયમ પૂરતી સીમિત ન રહે, પરંતુ દરેક ફૂટબોલપ્રેમીના મોબાઇલ ફોન અને ડિજિટલ ઉપકરણો પર પણ સરળતાથી ઉપલબ્ધ રહે. નવી એપ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તે લીગ, તેના ખેલાડીઓ, ટીમો, ફિક્સ્ચર્સ અને જી.એસ.એફ.એ.ની પ્રવૃત્તિઓને લોકોની વધુ નજીક લાવશે.”
જી.એસ.એફ.એ.ના માનદ સચિવ શ્રી મુલરાજસિંહ ચૂડાસમાએ મોટી સ્ક્રીન પર એપના મુખ્ય પાસાં અને વિશેષતાઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ જી.એસ.એફ.એ. દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પહેલો અને પ્રવૃત્તિઓ અંગેની માહિતી ઉપલબ્ધ કરાવશે. આથી એસોસિએશન, ખેલાડીઓ અને ગુજરાતના ફૂટબોલપ્રેમી લોકો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે.
આ પ્રસંગે જી.એસ.એલ. સીઝન-3ની સત્તાવાર જર્સી અને ટ્રોફીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. જર્સી અને ટ્રોફી લીગની ઓળખ, સ્પર્ધાત્મક ભાવના અને તેની આકાંક્ષાઓનું પ્રતીક છે. જર્સીની ડિઝાઇન ગુજરાત ફૂટબોલની ઊર્જા અને આધુનિક સ્વરૂપને પ્રતિબિંબિત કરે છે, જ્યારે ટ્રોફી એ સર્વોચ્ચ પુરસ્કારનું પ્રતિનિધિત્વ કરશે જેના માટે લીગમાં ભાગ લેનારી ટીમો સમગ્ર સીઝન દરમિયાન સ્પર્ધા કરશે. જર્સી અને ટ્રોફીના અનાવરણથી નવી સીઝનના પ્રારંભ અંગેનો ઉત્સાહ વધવાની અપેક્ષા છે અને ગુજરાતની અગ્રણી ફૂટબોલ સ્પર્ધાઓમાંની એક તરીકે જી.એસ.એલ.ની ઓળખને પણ વધુ મજબૂતી મળશે.

આ પ્રસંગે જી.એસ.એફ.એ. દ્વારા જી.એસ.એલ. સીઝન-3ના સંપૂર્ણ ફિક્સ્ચર્સની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી ફૂટબોલ ચાહકોને સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પોતાની મનપસંદ ટીમોને પ્રોત્સાહન આપવા તથા મેચોમાં પોતાની હાજરીનું આયોજન કરવાની તક મળશે. ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે યોજાનારી રોમાંચક મેચોની શ્રેણી દ્વારા ફૂટબોલપ્રેમીઓને વ્યાવસાયિક સ્ટેડિયમના વાતાવરણમાં સ્પર્ધાત્મક ફૂટબોલ માણવાની તક મળશે.
તારીખો, ટીમો અને મેચોના સમય સહિતના વિગતવાર ફિક્સ્ચર્સ નવા લોન્ચ કરાયેલા જી.એસ.એલ. ડિજિટલ પ્લેટફોર્મ તથા જી.એસ.એફ.એ.ના સત્તાવાર સંચાર માધ્યમો પર ઉપલબ્ધ રહેશે.
જી.એસ.એલ.ની ત્રીજી સીઝનના પ્રારંભ નિમિત્તે ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં ફૂટબોલ ખેલાડીઓ, અધિકારીઓ, કોચ, સમર્થકો, રમતગમત ક્ષેત્રની હસ્તીઓ તથા અન્ય હિતધારકો ઉપસ્થિત રહેશે.
જી.એસ.એફ.એ.એ ગુજરાતના તમામ ફૂટબોલ ચાહકો, સમર્થકો, ખેલાડીઓ, રમતપ્રેમીઓ તથા નાગરિકોને આ સમારોહ અને જી.એસ.એલ. સીઝન-3 સાથે જોડાઈને તેને રાજ્યની ફૂટબોલ યાત્રાનું એક યાદગાર પ્રકરણ બનાવવામાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.


