આજના ભાગદોડભર્યા જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. શરીરને નિરોગી રાખવા માટે આપણે પૌષ્ટિક આહાર, ખાસ કરીને લીલા શાકભાજી અને ફળો પર વધુ ભાર આપીએ છીએ. ડોક્ટરો પણ વધુમાં વધુ શાકભાજી ખાવાની સલાહ આપે છે. પરંતુ, શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે આપણે જે શાકભાજી અને ફળો ખાઈએ છીએ, તે ખરેખર પૌષ્ટિક અને શુદ્ધ છે? આજના સમયમાં શાકભાજી અને ફળોને વધુ આકર્ષક, ચમકદાર અને લાંબા સમય સુધી તાજા બતાવવા માટે તેના પર અનેક પ્રકારના હાનિકારક કેમિકલ્સ અને કૃત્રિમ રંગોનો પ્રયોગ કરવામાં આવે છે. આ ઝેરી તત્વો આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસરો કરી શકે છે. તેથી, આપણે જે પણ ખરીદીએ અને ખાઈએ, તે શુદ્ધ અને કુદરતી હોય તેની ખાતરી કરવી અનિવાર્ય છે. તમારા રસોડામાં આવતા શાકભાજી અને ફળોમાં રહેલા કેમિકલ્સ અને કૃત્રિમ રંગોને કેવી રીતે ઓળખવા, તે માટેના કેટલાક સરળ ઘરેલું ટીપ્સ જાણીએ….
1.દેખાવ અને અકુદરતી રંગ
જો લીલા શાકભાજી જેમ કે પરવળ, ભીંડા, ટીંડોરા કે પાલક ખૂબ જ ઘાટા અને અકુદરતી રીતે ચમકતા દેખાય, તો તેના પર ‘મેલાકાઈટ ગ્રીન’ નામનો કેમિકલ રંગ છાંટવામાં આવ્યો હોવાની શક્યતા છે. કુદરતી રીતે પાકેલા શાકભાજી અને ફળોમાં એકસરખો રંગ હોતો નથી. જો ટામેટાં કે કેળાં આખા એક સરખા પીળા કે લાલ દેખાય, તો તે કેમિકલથી પકવેલા હોઈ શકે છે. કુદરતી શાકભાજીમાં ક્યાંક થોડી ક્યાશ કે પીળાશ-લીલાશ જોવા મળે છે.
2. સ્પર્શ અને ટેક્સચર
શાકભાજીને દબાવીને જુઓ. કેમિકલથી પકવેલા ફળો બહારથી સોફ્ટ થઈ જાય છે પરંતુ અંદરથી સખત અને કાચા રહે છે. જો તમે ટામેટાં કે કેળાં દબાવો અને તે ઉપરથી પોચા લાગે પણ અંદરથી ગર્ભ કાચો કે કડક રહે, તો સાવધ થઈ જજો.
3. વજનમાં હલકા
કુદરતી રીતે પાકેલા શાકભાજી અને ફળોમાં પાણી અને રસ ભરપૂર હોય છે, જેના કારણે તે વજનદાર લાગે છે. જ્યારે કેમિકલવાળા ફળો અંદરથી સૂકા થઈ જાય છે અને વજનમાં પ્રમાણમાં હલકા લાગે છે.
4. સુગંધ
કુદરતી શાકભાજી અને ફળોની પોતાની એક અલગ, મીઠી અને સરસ સુગંધ હોય છે. કેમિકલથી પકવેલા કે રંગેલા શાકભાજીમાં કોઈ કુદરતી સુગંધ હોતી નથી અથવા તો તેમાંથી હળવી કેમિકલ જેવી તીખી ગંધ આવે છે.
5. લીલા શાકભાજી પર રંગ ચકાસવાની સરળ રીત
લીલા શાકભાજી જેમ કે ભીંડા, પરવળના એક નાના ભાગ પર ‘લિક્વિડ પેરાફિન’ અથવા સાદું તેલ લગાવીને જુઓ. જો પેરાફિન લગાવેલો ભાગ લીલા રંગનો થઈ જાય, તો તેનો અર્થ એ છે કે તેના પર કેમિકલ કલર લગાવેલો છે. કુદરતી શાકભાજી પર પેરાફિન લગાડવાથી રંગ બદલાતો નથી.
6. ટામેટાં અને ફળો માટે ઘરેલું ટેસ્ટ
ટામેટાં અને ફળોને પાણી ભરેલા વાસણમાં ડુબાડો. જો પાણીનો રંગ બદલાય અથવા પાણીની સપાટી પર તેલીય સ્તર (મેણ/વેક્સ) દેખાય, તો તેનો અર્થ એ કે તે કેમિકલ કે વેક્સથી કોટેડ છે. કુદરતી ફળો પાણીમાં ડૂબાડ્યા પછી પણ પાણી સાફ રહે છે.
7. બટાકા અને શક્કરિયાંમાં ભેળસેળ
બટાકા અને શક્કરિયાંના ટુકડા કરો અને તેના પર આયોડિન સોલ્યુશનનું એક ટીપું મૂકો. જો તે ભાગ તરત જ ઘાટો વાદળી કે કાળો થઈ જાય, તો તેમાં અકુદરતી સ્ટાર્ચની ભેળસેળ છે. આ સ્ટાર્ચ તેમને વજનદાર અને ચમકદાર બનાવવા માટે ઉમેરવામાં આવે છે. કુદરતી બટાકા અને શક્કરિયાંમાં રંગમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી.
સાવચેતીના પગલાં:
શાકભાજી લાવીને સૌથી પહેલા તેને 15-20 મિનિટ નવશેકા ગરમ પાણીમાં થોડું મીઠું અને ખાવાનો સોડા નાખીને પલાળી રાખો. ત્યારબાદ સાદા પાણીથી બે-ત્રણ વાર બરાબર ધોઈને જ તેનો ઉપયોગ કરો. આનાથી શાકભાજી પર રહેલા કેમિકલના અંશો દૂર થાય છે.
આપનું શરીર એ આપનું મંદિર છે. તેને જેવો આહાર આપશો, તેવું જ તેનું સ્વાસ્થ્ય રહેશે. કૃત્રિમ રંગ અને કેમિકલયુક્ત શાકભાજી ખાવાથી ત્વચાની એલર્જીથી લઈને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે. આપણે થોડી સાવધાની રાખીને અને આ સરળ ઘરેલું પરિક્ષણો અપનાવીને આ હાનિકારક કેમિકલ્સથી બચી શકીએ છીએ. ખરીદી કરતી વખતે પણ હંમેશા સ્થાનિક, સીઝનલ અને શક્ય હોય ત્યાં સુધી ઓર્ગેનિક શાકભાજી પસંદ કરવાનો આગ્રહ રાખો. શાકભાજીને યોગ્ય રીતે સાફ કરીને ઉપયોગમાં લો. આપણી આ જાગૃતિ જ આપણને અને આપણા પરિવારને સ્વસ્થ રાખશે. યાદ રાખો, સાવધાન રહો અને સ્વસ્થ રહો!
અસ્વીકરણ:આ લેખમાં દર્શાવેલી માહિતી અને ચકાસણીની રીતો માત્ર સામાન્ય જાગૃતિ માટે છે, કોઈ વ્યાવસાયિક કે વૈજ્ઞાનિક પ્રમાણપત્ર નથી. કેમિકલ્સ કે ખાદ્ય સુરક્ષાની ચોક્કસ ખાતરી માટે માન્ય લેબોરેટરી ટેસ્ટ પર આધાર રાખવો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે તબીબી સલાહ લેવી.


