જામનગર શહેરના જાણીતા મનોચિકિત્સક (સાઇક્રિયાટ્રીસ્ટ) ડૉ. હિતાર્થ રાજાની ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત – વેસ્ટ ઝોનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા માત્ર જામનગર જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના તબીબી વર્તુળોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

IMA જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં વેસ્ટ ઝોનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ડૉ. હિતાર્થ રાજાની પસંદગી તેમના લાંબા સમયથી તબીબી ક્ષેત્રે આપેલા યોગદાન, સેવાભાવ, નેતૃત્વ ક્ષમતા અને તબીબો વચ્ચેના વિશ્વાસનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે. તેમની નિમણૂંકને જામનગરના તબીબી જગત માટે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.
નિમણૂંક બાદ ખબર ગુજરાત સાથે વાતચીત દરમિયાન ડૉ. હિતાર્થ રાજાએ સૌપ્રથમ જામનગરના તમામ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્ટેટ IMA માં વાઇસ પ્રેસિડેન્ટ (વેસ્ટ ઝોન) તરીકેની આ મહત્વની જવાબદારી મળવા બદલ જામનગરના તમામ તબીબો અને ખાસ કરીને ડૉ. વિજય પોપટ નો હૃદયપૂર્વક આભાર માનું વ્યક્ત કર્યો . તમામ ડોક્ટરોએ જે વિશ્વાસ મૂકીને મને આ જવાબદારી સોંપી છે, તેના માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
તેમણે વધુમાં જણાવ્યું કે જામનગરનું તબીબી ક્ષેત્ર રાજ્યભરમાં આગવું સ્થાન ધરાવે છે અને અહીંના ડોક્ટરોએ વર્ષોથી દર્દી સેવામાં નોંધપાત્ર કામગીરી કરી છે. હવે IMA ગુજરાતના આ મહત્વના હોદ્દા પર રહીને તેઓ જામનગર સહિત સમગ્ર વેસ્ટ ઝોનના તબીબોના પ્રશ્નો, તેમના હિતો અને આરોગ્ય સેવાઓના વિકાસ માટે સક્રિય કામગીરી કરશે.
ડૉ. હિતાર્થ રાજાએ જણાવ્યું કે આ હોદ્દો માત્ર સન્માન નહીં, પરંતુ એક મોટી જવાબદારી પણ છે. તેઓ તબીબો અને દર્દીઓ વચ્ચે વધુ સારો સમન્વય ઉભો થાય, આરોગ્ય સેવાઓ વધુ અસરકારક અને સુલભ બને તેમજ નવી આરોગ્ય પહેલોને પ્રોત્સાહન મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે. રાજ્યભરના ડોક્ટરો સાથે સંકલન સાધીને આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દર્દીઓને ગુણવત્તાસભર સારવાર સરળતાથી મળી રહે, ડોક્ટરોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને આરોગ્ય ક્ષેત્રમાં નવી પહેલોને વેગ મળે તે દિશામાં તેઓ સમર્પિત ભાવથી કાર્ય કરશે.
ડૉ. હિતાર્થ રાજાની આ નિમણૂંક બાદ જામનગર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો, શહેરના તબીબો તેમજ તેમના શુભેચ્છકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક તબીબોએ તેમને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.
જામનગરના તબીબી ક્ષેત્ર માટે આ નિમણૂંક એક વધુ ગૌરવપૂર્ણ સિદ્ધિ બની છે અને આગામી સમયમાં ડૉ. હિતાર્થ રાજાના નેતૃત્વ હેઠળ આરોગ્ય સેવાઓના વિકાસને નવી દિશા મળશે તેવી આશા તબીબી વર્તુળોમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.


