અત્યારે વાતાવરણ એવું છે કે બહાર નીકળો એટલે અસહ્ય તાપ અને પરસેવાથી આખું શરીર રેબઝેબ થઈ જાય. ચામડી બળે એવો બફારો હોય એટલે ઘરમાં કે ઓફિસમાં ઘૂસતા જ આપણું પહેલું કામ AC ચાલુ કરવાનું અથવા તેની સામે ગોઠવાઈ જવાનું હોય છે. પરસેવા સાથે જ્યારે ACની ઠંડી હવા શરીરને અડકે ત્યારે બે મિનિટ માટે તો સ્વર્ગ જેવી શાંતિ લાગે! પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ‘બે મિનિટનું સુખ’ તમારા શરીરને કેટલો મોટો આંચકો આપે છે? ક્યારેક એવું પણ બને છે કે બહાર આવતાની સાથેજ એક સાથે પાંચ થી સાત જેટલી છીંકો આવવા લાગે છે મેડિકલની ભાષામાં આને ‘થર્મલ શોક’કહેવાય છે.

શું છે આ ‘થર્મલ શોક’ અને તે શરીરને કેવી રીતે અસર કરે છે?
- જ્યારે બહારનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ હોય અને તમારા રૂમનું AC 18 કે 20 ડિગ્રી પર ચાલતું હોય, ત્યારે તાપમાનનો તફાવત સીધો 20 ડિગ્રી જેટલો થઈ જાય છે.
- જ્યારે તમે સખત તાપમાંથી અચાનક આવા ઠંડા રૂમમાં આવો છો (અથવા ઠંડા રૂમમાંથી સીધા ધગધગતા તાપમાં બહાર જાઓ છો), ત્યારે આપણું શરીર આ આકસ્મિક બદલાવને સહન નથી કરી શકતું. આના કારણે:
- ઇમ્યુનિટી લોક થઈ જાય છે: તાપમાનના આ મોટા ઝટકાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ક્ષણભર માટે નબળી પડી જાય છે.
- વાયરસને મોકળું મેદાન મળે છે: આપણી શ્વસનતંત્રની નળીઓ સંકોચાઈ જાય છે, જેથી હવામાં ફરતા વાયરસ ગળા અને નાક પર જલ્દી હુમલો કરી દે છે. પરિણામે, ઓફિસથી ઘરે પહોંચતા સુધીમાં જ ગળું પકડાવું, શરદી થવી, ઉધરસ આવવી કે ઝીણો તાવ આવવો જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે.
શું તમને પણ ACમાંથી બહાર નીકળતા જ આવે છે 5-7 છીંકો?
ઘણા લોકોને આદત હોય છે કે ઓફિસ કે ઘરમાંથી બહાર નીકળે એટલે તરત જ સળંગ છીંકો આવવાનું શરૂ થઈ જાય છે. જો તમને એવું લાગતું હોય કે આ નોર્મલ છે, તો તમે ભૂલ કરી રહ્યા છો. આ પણ ‘થર્મલ શોક’નો જ એક ભાગ છે. ACની સૂકી હવાના કારણે નાકની અંદરનો ભાગ સંવેદનશીલ બની જાય છે, અને બહારના ગરમ-ભેજવાળા વાતાવરણના સંપર્કમાં આવતા જ નાકની નસો તાપમાનનો આ ઝટકો સહન નથી કરી શકતી. પરિણામે શરીર છીંકો દ્વારા પોતાનો વિરોધ નોંધાવે છે.
શું કરી શકાય ?…
- નાકને કવર કરો: જ્યારે પણ તમે ઓફિસ કે ઘરના ફુલ AC વાળા રૂમમાંથી બહાર સખત તાપ અને બફારામાં નીકળો, ત્યારે તમારા નાક અને મોં પર રૂમાલ, સ્કાફ કે દુપટ્ટો ઢાંકી લો. આવું કરવાથી બહારની ગરમ હવા સીધી નાકમાં નહીં જાય, તાપમાનનો આંચકો ધીમો પડશે અને છીંકો આવવાની સમસ્યા 90% સુધી ઘટી જશે.
- સ્ટીમ લેવાની આદત રાખો: જો તમને રોજ આ સમસ્યા થતી હોય, તો રાત્રે સૂતી વખતે સાદા પાણીની વરાળ લેવાનું રાખો. આનાથી ACના કારણે નાકની અંદર જે ડ્રાયનેસ આવી ગયું છે તે દૂર થશે અને નાકની નસો મજબૂત બનશે.
- હૂંફાળું પાણી પીવો: ઓફિસમાંથી બહાર નીકળવાના અડધા કલાક પહેલાં થોડું હૂંફાળું પાણી પીવો, જેથી શરીરનું અંદરનું તાપમાન સંતુલિત રહે.
થર્મલ શોક અને વાયરલ ઇન્ફેક્શનથી બચવાના અચૂક ઉપાયો
જો ઓફિસ કે ઘરમાં AC વગર ચાલે તેમ ન જ હોય, તો બીમાર પડ્યા વગર આ સરળ નિયમો અપનાવો:
- 5 મિનિટનો ‘બફર ટાઇમ’ રાખો: બહારથી પરસેવે રેબઝેબ થઈને આવો ત્યારે સીધા AC વાળા રૂમમાં ન બેસો. પાંચ મિનિટ પંખા નીચે બેસી શરીરનું તાપમાન સામાન્ય થવા દો, પરસેવો સુકાઈ જવા દો અને પછી જ AC ચાલુ કરો. એ જ રીતે, AC વાળા રૂમમાંથી સીધા તડકામાં બહાર નીકળવાને બદલે 5 મિનિટ પહેલાં AC બંધ કરી દો જેથી શરીર બહારના તાપમાન માટે તૈયાર થઈ શકે.
- એસીનું તાપમાન 24°C કે 25°C પર સેટ કરો: ભલે બહાર ગમે તેટલી ગરમી હોય, ACને 16 કે 18 પર રાખવાની જીદ છોડો. 24 ડિગ્રી એ માનવ શરીર માટે સૌથી હેલ્ધી તાપમાન છે. આનાથી બહારના અને અંદરના તાપમાન વચ્ચેનો તફાવત ઓછો રહેશે અને શરીરને ‘થર્મલ શોક’ નહીં લાગે.
- ભૂલથી પણ ફ્રિજનું ઠંડું પાણી ન પીવો: બહારથી આવીને તરત જ ફ્રિજનું એકદમ ચિલ્ડ પાણી પીવાની ભૂલ ક્યારેય ન કરવી. તે ગળાના ઇન્ફેક્શનને બમણી ઝડપથી આમંત્રણ આપે છે. તેના બદલે માટલાનું અથવા સામાન્ય તાપમાનનું પાણી પીવો.
- ACમાં પણ હાઇડ્રેશન જરૂરી છે: ACમાં બેસવાથી તરસ ઓછી લાગે છે, પણ અંદરખાને શરીર ડિહાઇડ્રેટ થતું રહે છે. તેથી થોડી-થોડી વારે પાણી, લીંબુ પાણી અથવા ઓરડાના તાપમાન વાળું નાળિયેર પાણી પીતા રહો.
- ઓફિસમાં હળવું જેકેટ કે શૉલ રાખો: જો ઓફિસમાં સેન્ટ્રલ AC હોય અને તાપમાન તમારા હાથમાં ન હોય, તો તમારી સાથે એક હળવું શ્રગ, જેકેટ કે સ્કાફ રાખો જેથી શરીર સીધું ઠંડી હવાના સંપર્કમાં ન આવે.
બદલાતું વાતાવરણ અને આકરો બફારો આપણા હાથમાં નથી, પણ આપણા શરીરને તેની સામે કેવી રીતે સાચવવું તે ચોક્કસ આપણા હાથમાં છે. AC એ આજના સમયની જરૂરિયાત હોઈ શકે, પણ તે આપણી નબળાઈ ન બનવી જોઈએ. માત્ર થોડી મિનિટોની ઉતાવળ આખા અઠવાડિયાની માંદગી લાવી શકે છે. તેથી, તાપમાનની આ સંતાકૂકડી વચ્ચે શરીરને થોડો સમય આપો, ઉપર જણાવેલી નાની પણ મહત્વની વાતોનું ધ્યાન રાખો અને આ મોસમને બીમાર પડ્યા વગર એન્જોય કરો. Stay Cool, Stay Healthy!
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)


