આજના ડિજિટલ યુગમાં આમ જુવો તો આપણે દોડી રહ્યા છીએ અને આમ જુવો તો મગજથી અને સ્ક્રીન પર દોડી રહ્યા છીએ લગભગ બેઠા બેઠા સ્ક્રીન પર સતત કામ કરી રહ્યા છીએ ત્યારે ડેસ્ક જોબ અને લાંબો સ્ક્રીન ટાઈમ એ વ્યાવસાયિક જીવનનો અનિવાર્ય ભાગ બની ગયા છે. આશરે 8 થી 10 કલાક સતત બેસીને કામ કરવાથી કરિયરમાં પ્રગતિ ભલે થાય, પણ તે અજાણતા જ આપણા શરીરને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. માનવ શરીર હલનચલન માટે બનેલું છે. કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી શરીરની સિસ્ટમ ધીમી પડી જાય છે તો ચાલો અહી જાણીએ કે ડેસ્ક જોબ કરતા લોકો માટે સાવચેતીના પગલા શું હોય શકે.

સતત બેસી રહવાથી થતા નુકસાન
- ધીમો મેટાબોલિઝમ: લાંબા સમય સુધી બેસવાથી કેલરી બર્ન થવાની પ્રક્રિયા ધીમી પડે છે અને શરીરમાં ફેટ જમા થવા લાગે છે.
- નબળા સ્નાયુઓ: પીઠ, નિતંબ અને પગના સ્નાયુઓ લાંબો સમય નિષ્ક્રિય રહેવાથી નબળા પડી જાય છે.
- બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ: પગમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી, જેનાથી સોજા આવી શકે છે.
વધુ પડતા સ્ક્રીન ટાઈમની આડઅસરો
- કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન સામે સતત જોતા રહેવાથી આંખો અને મગજ પર ભારે દબાણ આવે છે.
- કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ: આંખો સુકાઈ જવી, લાલ થવી, પાણી આવવું અને ઝાંખું દેખાવું.
- આંખોનું ઓછું પલકાવું: સામાન્ય રીતે આપણે મિનિટમાં 15-20 વાર આંખો પલકાવીએ છીએ, પણ સ્ક્રીન જોતી વખતે આ દર ઘટીને 5-7 વાર થઈ જાય છે, જે આંખોને ડ્રાય કરે છે.
- માથાનો દુખાવો અને અનિદ્રા: સ્ક્રીનમાંથી નીકળતી બ્લૂ લાઈટ ઊંઘના હોર્મોનને પ્રભાવિત કરે છે, જેથી પૂરતી ઊંઘ આવતી નથી.
કઈ બીમારીઓ થઈ શકે?
- લાંબા ગાળે આ જીવનશૈલી ગંભીર અને ક્રોનિક બીમારીઓનું કારણ બને છે:
- હૃદય રોગ : સક્રિય ન રહેવાથી ધમનીઓમાં બ્લોકેજ અને હાર્ટ એટેકનું જોખમ બમણું થઈ જાય છે.
- ટાઈપ-2 ડાયાબિટીસ: બેઠાડુ જીવન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે, જેથી બ્લડ શુગર કંટ્રોલ બહાર જાય છે.
- મેદસ્વીતા અને ફેટી લીવર: શારીરિક શ્રમના અભાવે વજન ખૂબ ઝડપથી વધે છે.
- ઓસ્ટિઓપોરોસિસ અને સ્પોન્ડિલાઈટીસ: કરોડરજ્જુ, ગરદન અને કમરના મણકા ઘસાવા લાગે છે અને કાયમી દુખાવો ઘર કરી જાય છે.
- માનસિક તણાવ: શારીરિક પ્રવૃત્તિ ન થવાથી એન્ઝાઈટી, ડિપ્રેશન અને વર્ક સ્ટ્રેસ વધે છે.
અર્ગોનોમિક્સ : કામ કરવાની સાચી પદ્ધતિ
- મોટાભાગના લોકો ખોટી પોઝિશનમાં બેસે છે, જે નુકસાન વધારે છે. કામ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે:
- સ્ક્રીનનું લેવલ: કોમ્પ્યુટર સ્ક્રીન તમારી આંખોની બરાબર સામે હોવી જોઈએ, જેથી ગરદન નમાવવી ન પડે.
- બેસવાની રીત: પીઠ એકદમ સીધી (90 ડિગ્રી) અને ખભા રિલેક્સ હોવા જોઈએ. જરૂર પડે તો કમર પાછળ નાનું કુશન રાખવું.
- પગની સ્થિતિ: બંને પગ જમીન પર સપાટ હોવા જોઈએ, હવામાં લટકતા કે એકબીજા પર ક્રોસ કરેલા ન હોવા જોઈએ.
સ્વાસ્થ્ય સુધારવા માટે રોજિંદા જીવનમાં શું ફેરફાર કરવા?
- 20-20-20 નિયમ અપનાવો: દર 20 મિનિટે સ્ક્રીન પરથી નજર હટાવી, 20 ફૂટ દૂર આવેલી વસ્તુ પર 20 સેકન્ડ માટે જુઓ.
- એક્ટિવ બ્રેક્સ : દર 1 કલાકે પોતાની જગ્યા પરથી ઊભા થઈને 5 મિનિટ માટે વોકિંગ અથવા સ્ટ્રેચિંગ કરો. ફોન પર વાત કરતી વખતે ચાલો.
- હાઈડ્રેશન અને ડાયેટ: ડેસ્ક પર પાણીની બોટલ રાખો. ચા-કોફીનું પ્રમાણ ઘટાડી ગ્રીન ટી કે છાશ લો. જંક ફૂડને બદલે મખાના, ડ્રાયફ્રૂટ્સ કે ફળો સ્નેક્સમાં લો.
- રોજિંદી કસરત: દિવસ દરમિયાન 30-45 મિનિટ યોગા, જિમ અથવા ઝડપી ચાલવાની ટેવ પાડો.
ડેસ્ક જોબ કરનારાઓએ કયા મેડિકલ રિપોર્ટ કરાવવા જોઈએ?
- વર્ષમાં ઓછામાં ઓછું એક વાર નીચે મુજબના હેલ્થ ચેકઅપ કરાવવા જરૂરી છે, જેથી અંદરખાને વધતી બીમારીઓ વહેલી ખબર પડી શકે:
- વિટામીન D3 અને B12 રિપોર્ટ: એસી (AC) કેબિનમાં સૂર્યપ્રકાશ ન મળવાને કારણે ડેસ્ક જોબ વાળા લોકોમાં વિટામિન ડીની ભારે ઉણપ હોય છે, જે સાંધાના દુખાવા માટે જવાબદાર છે.
- લિપિડ પ્રોફાઇલ: શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર તપાસવા માટે.
- HbA1c અથવા ફાસ્ટિંગ બ્લડ શુગર: ડાયાબિટીસની શરૂઆત જાણવા માટે.
- આંખોની તપાસ : વર્ષમાં એકવાર ઓપ્ટોમેટ્રિસ્ટ પાસે આંખોના નંબર અને ડ્રાયનેસની તપાસ કરાવો.
- CBC અને થાઈરોઈડ (TSH): શરીરની સામાન્ય કાર્યક્ષમતા અને મેટાબોલિઝમ ચેક કરવા.
ખાસ આટલું કરો
ડિજિટલ ડિટોક્સ
- ઓફિસના કામ સિવાયના સમયમાં સ્ક્રીનથી દૂર રહેવું અનિવાર્ય છે.
- ઓફિસ સમય પૂરો થયા પછી સોશિયલ મીડિયાનો વપરાશ મર્યાદિત કરો.
- રાત્રે સૂવાના 1 કલાક પહેલાં ફોન, ટીવી કે લેપટોપ સંપૂર્ણપણે બંધ કરી દો.
ટેકનોલોજી અને ડેસ્ક જોબ આપણા જીવન અને આજીવિકાનો ભાગ છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્યના ભોગે ન હોવી જોઈએ. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ ઉક્તિ મુજબ, જો આપણે અત્યારથી જ આપણી નાની-નાની આદતો અને બેસવાની શૈલીમાં ફેરફાર નહીં કરીએ, તો ભવિષ્યમાં કમાયેલી મૂડી બીમારીઓ પાછળ જ ખર્ચાઈ જશે. જાગૃત બનો, સક્રિય રહો અને કામની સાથે શરીરને પણ પૂરતો આરામ અને હલનચલન આપો.
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)


