Thursday, June 4, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ માટે પસંદગી

ખંભાળિયા સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્ર કણજારીયાની રાજ્યસભાના સાંસદ માટે પસંદગી

જીતેન્દ્રભાઈની પસંદગીને આવકારતા ખંભાળિયાના વતની પરિમલ નથવાણી

ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલી યાદીમાં બીજેપીના રાજ્ય સભાના સાંસદ માટે ગુજરાત રાજ્યના ચાર ઉમેદવારો પૈકી ખંભાળિયાના સતવારા જ્ઞાતિના અગ્રણી કાર્યકર જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લા અને હાલાર પંથકમાં વ્યાપક આવકાર સાંપળ્યો છે.
ખંભાળિયા શહેરના રામનગર વિસ્તારના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર મેઘજીભાઈ કણજારીયા કે જેઓ વર્ષ 2007 માં વિધાનસભાની ચૂંટણીમાં સામા પવને વિજેતા બની અને ધારાસભ્ય થયા હતા. તેમણે આ વિસ્તારના અનેક પ્રશ્નોના નિરાકરણ તથા વિકાસ કાર્યો માટે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ પછી તેઓ નર્મદા નિગમના પણ ચેરમેન બની મહત્વની એવી કામગીરી કરી હતી. તેઓ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી, જામનગર જિલ્લા ભાજપ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા હતા.
વર્ષ 2021 માં તેઓ કોરોનાના કારણે અવસાન પામ્યા બાદ વર્ષ 2021 માં યોજાયેલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ દ્વારા સ્વ. મેઘજીભાઈ કણજારીયાના પુત્ર જીતેન્દ્રભાઈ કણજારીયાને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ નોંધપાત્ર મતથી વિજેતા બન્યા હતા. આ પછી જીતેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બન્યા હતા. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા જીતુભાઈ કણજારીયા મીતભાસી અને સરળ સ્વભાવના કાર્યકર છે.
ભાજપ દ્વારા આજરોજ જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયાની કરવામાં આવેલી જાહેરાતને ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીએ આવકારી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. સતવારા સમાજ દ્વારા જીતુભાઈ કણજારીયા માટેની કરવામાં આવેલી આ જાહેરાતને આવકારી, અહીંના ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ અહીંના જોધપુર ગેઈટ ચોક ખાતે ફટાકડા ફોડી સૌના મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી. જીતેન્દ્રભાઈ કણજારીયા હાલાર પંથકના પ્રથમ તેમજ સતવારા સમાજમાંથી પણ પ્રથમ રાજ્યસભાના સાંસદ બનશે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular