દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં થતી બેફામ ખનિજચોરી સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પટેલકા ગામના સીમ વિસ્તારમાંથી પાસ-પરમીટ વગર થતાં ખનન સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પથ્થર, વાહનો સહિત રૂપિયા પોણા બે કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આઠ વાહનચાલકોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ વિભાગના રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી.એ. વાળાની ટીમ દ્વારા કલ્યાણપુર પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. વિભાગના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ બળવંતસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના સીમ વિસ્તારમાં આવેલા એક સરકારી ખરાબમાં જેસીબી, ટ્રેક્ટર જેવા સાધનોની મદદથી ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ (કાળા પથ્થર) ખનીજનું રોયલ્ટી કે પાસ પરમિટ વગર થતા ખનન સામે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
View this post on Instagram
દ્વારકા એસ.ઓ.જી. પોલીસની ટીમને બે જેસીબી તથા છ ટ્રેક્ટર-ટ્રોલી મળી આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે જેસીબીના ચાલક કાના બાલા પરમાર તેમજ કિશોર બાબુભાઈ કછટિયા સાથે ટ્રેકટરના ચાલક યોગેશ માધાભાઈ ડાભી, પીયૂષ કિશોરભાઈ ડાભી, કિશોર ગોરધનભાઈ ખાણધર, વિનુ મોહનભાઈ કણજારિયા, લાધા કરશન કછટિયા તેમજ જેન્તી આંબાભાઈ નકુમ નામના 8 વાહનચાલકોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસને દરોડા દરમ્યાન કુલ છ ટ્રેકટર – ટ્રોલી પૈકી ચાર ટ્રેક્ટરની ટ્રોલીમાં બ્લેક ટ્રેપ (કાળા પથ્થરો) મળી આવ્યા હતા. જ્યારે અન્ય બે ટ્રેક્ટરોમાં જેસીબી મશીનની મદદથી પથ્થરો ભરવાની તૈયારી કરવામાં આવી હતી. પોલીસે ખોદકામનું કામ સ્થગિત કરાવી, અહીં મળી આવેલા વાહન ચાલકો પાસે રોયલ્ટી કે અન્ય કોઈ આધાર પુરાવા હોય તો પૂછપરછ કરતા તેઓએ પોતાની પાસેથી આ ખનીજ મેળવવા માટેના કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 75 લાખની કિંમતનો બ્લેક ટ્રેપ (કાળા પથ્થર)નો તથા હાર્ડ મોરમનો 25,000 મેટ્રિક ટન જથ્થો તેમજ રૂપિયા 60,000 ની કિંમતનો 12 ટન બ્લેક ટ્રેપનો જથ્થો કબજે કર્યો હતો. આટલું જ નહીં, પોલીસે રૂપિયા 52 લાખની કિંમતના બે જેસીબી મશીન તેમજ 48 લાખની કિંમતના છ ટ્રેક્ટર મળી કુલ રૂપિયા 1 કરોડ 75 લાખ 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરી, વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. ડી.એ. વાળા, ભૂસ્તરશાસ્ત્રી કેયુર રાજપુરા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર કે.આર. પટેલ, એસ.ઓ.જી. વિભાગના સજુભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, કાનાભાઈ માડમ, સુમતભાઈ ભાટિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, કૃષ્ણરાજસિંહ જાડેજા, સ્વરૂપસિંહ જાડેજા, લખમણભાઈ આંબલિયા તેમજ સર્વેયર જીજ્ઞેશભાઈ બારોટની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક સમયથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ખનીજ ચોરી તેમજ ખનીજ ખનન સામે કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્ત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી છે.


