દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વીરપર ગામમાં રસ્તાની જગ્યામાં દીવાલ ચણવા જેવી નજીવી બાબતે કૌટુંબિક વિખવાદ ઉગ્ર બનતા એક આધેડ પર હિંસક સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હોવાનો સનસનાટીભર્યો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. રસ્તો રોકાઈ જતો હોવાનું કહેવા ગયેલા આહીર ખેડૂત પર એક પુરુષ અને ત્રણ મહિલાઓ સહિતના ચાર શખ્સોએ એકસંપ થઈ દાતરડા, કુહાડી અને ધોકા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે.
આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર પોલીસ સ્ટેશનથી ઉત્તર દિશાએ આશરે 46 કિલોમીટર દૂર આવેલ વીરપર ગામે ગત તા. 30ના સાંજે આશરે ચારેક વાગ્યાના સુમારે આ હિંસક અકસ્માત સર્જાયો હતો. વીરપર ગામે રહીને ખેતીકામ કરતા હમીરભાઇ માંડણભાઇ ચાવડા (ઉ.વ. 42)ના ઘરની બહાર નીકળવાના રસ્તા પર બેલા (પથ્થર)ની કાચી દીવાલ ચણવામાં આવી રહી હતી. આ દીવાલના કારણે રસ્તો બંધ થઈ જતો હોવાથી હમીરભાઇએ ત્યાં જઈને દીવાલ ચણવાની ના પાડી હતી આ વાત સંભાળતા જ ત્યાં હાજર કૌટુંબિક સભ્યો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હમીરભાઇ પર તૂટી પડ્યા હતા. જેમાં વિંજીબેન ચાવડા, ખીમાભાઇ, રેખાબેન અને મણીબેન ચાવડાએ એકસંપ થઈ હમીરભાઇને માર મારી લોહીલુહાણ કરી નાખ્યા હતા અને પીઠના ભાગે પણ મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.
હુમલા બાદ ઈજાગ્રસ્ત હમીરભાઇને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. હુમલો કરનાર અને ભોગ બનનાર બંને કૌટુંબિક સગા થતાં હોવાથી શરૂઆતમાં પરિવાર અને આહીર જ્ઞાતિના અગ્રણીઓ વચ્ચે સમાધાન માટે ચર્ચા-વિચારણા થઈ હતી. પરંતુ અંતે મામલો ન સુલઝતા બનાવના ચાર દિવસ બાદ ગઈકાલે તા. 03ના રાત્રે 19:00 વાગ્યે કલ્યાણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ હુમલામાં ઇજા પામનાર હમીરભાઇ ચાવડાની ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસે આરોપીઓ વિંજીબેન ભીખાભાઇ ચાવડા, ખિમાભાઇ ડાડુભાઇ પાઉ, રેખાબેન ભીખાભાઇ ચાવડા અને મણીબેન ભીખાભાઇ ચાવડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 117(2), 115(2), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) (જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની રૂબરૂ ફરિયાદ નોંધી આગળની સઘન તપાસ કલ્યાણપુર પોલીસ મથકના પો.હે.કોન્સ માલદેભાઇ કે. બરાઇ ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.


