લાલપુર તાલુકાના ગુલ્લા મુકામે રહેતા દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા પાસેથી જામનગરના ચાવડા પ્રકાશભાઇ મોહનભાઇ સંબંધદાવે હાથ ઉછીના બે લાખ રૂપિયા લીધા હતા. જે રકમની પરત ચૂકવણી માટે પ્રકાશ ચાવડાએ પોતાના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક આપ્યો હતો. જે ચેક દિવ્યરાજસિંહ દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતાં પરત ફર્યો હતો. જેથી દિવ્યરાજસિંહ દ્વારા પોતાના વકીલ મારફત સ્ટેચ્યુટરી નોટિસ મોકલેલ હતી તેમ છતાં પણ ચેક મુજબની રકમ વસુલ ન આપતા દિવ્યરાજસિંહ દ્વારા જામનગરની અદાલતમાં ધી નેગોશિએબલ ઇન્સ્ટુમેમ્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો જે કેસ જામનગર એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ આર.બી. ગોસાઇની અદાલતમાં ચાલી જતાં અદાલત દ્વારા આરોપી ચાવડા પ્રકાશભાઇ મોહનભાઇને છ માસની સાદી કેદની સજા તથા બે લાખ રૂપિયા દંડનો હુકમ કર્યો છે અને જો દંડની રકમ આરોપી ભરપાઇ ન કરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે તેમજ આરોપી ઠરાવ સમયે ગેરહાજ રહેતા તેની સામેનું વોરંટ જામનગર એસ.પી. મારફત બજવણી અર્થે મોકલી આપવાનો હુકમ કર્યો છે. ફરિયાદી તરફે વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા રોકાયા હતા.