ખંભાળિયા તાલુકાના બેરાજા ગામનો વતની અને હાલ રાજકોટમાં રહેતાં યુવાન ઉપર ફાયનાન્સના રૂપિયા કઢાવી આપવાની ના પાડતા યુવાન ઉપર શખ્સે છરીના આડેધડ ઘા ઝીંકી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના બેરાજા ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટ ખાતે રહેતા પરબતભાઈ વિક્રમભાઈ ભોચીયા નામના 37 વર્ષના આહિર યુવાન પર બેરાજા ગામના વિપુલ રાયદેભાઈ આંબલીયા નામના શખ્સ દ્વારા છરીના છ ઘા ઝીંકીને તેમને બાવડામાં, પડખામાં, ડૂંટીના ભાગે તેમજ ગરદનમાં હુમલો કરી, લોહી લોહાણ કર્યાની તથા ફ્રેકચર સહિતની ઈજાઓ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી પરબતભાઈ અને આરોપી વિપુલ સાથે મળીને અગાઉ ફાયનાન્સનો ધંધો કરતા હતા. અગાઉ વિપુલે ભાવેશ નામના એક શખ્સને રૂપિયા સવા લાખ વ્યાજે રૂપિયા આપ્યા હતા. તે રૂપિયા કઢાવી આપવાનું આરોપી વિપુલે પરબતને કહેતા પરબતે આરોપી વિપુલને જાતે ભાવેશ પાસેથી પૈસા કઢાવી લેવાનું કહ્યું હતું. જે બાબતે થયેલી બોલાચાલી બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.