છેલ્લા 2 વર્ષથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના ઘરની બહાર નથી નીકળ્યા. તેઓ 2 વર્ષથી પોતાના બેઈજિંગ ખાતેના ઘરમાં જ છે અને કોઈ વૈશ્ર્વિક નેતા સાથે મુલાકાત પણ નથી કરી રહ્યા. ઉપરાંત તેઓ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના કોઈ અગ્રણી નેતાને પણ નથી મળી રહ્યા.
જોકે 14મી સપ્ટેમ્બરના રોજ આખરે તેઓ પોતાના કોચલામાંથી બહાર આવ્યા હતા અને ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે શાંઘાઈ સહયોગ સંગઠનમાં હાજર રહ્યા હતા. આશરે 2 વર્ષના વિરામ બાદ તેઓ સમરકંદ ખાતે 22મી એસસીઓ સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જોકે એસસીઓના પાયાના સભ્ય હોવા છતાં પણ તેમણે સમિટમાં કોઈ સક્રિય ભાગીદારી નહોતી દાખવી. સમિટના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કોઈ યાદગાર સંબોધન પણ નહોતું આપ્યું અને નરેન્દ્ર મોદી, વ્લાદિમીર પુતિન સહિતના કોઈ દિગ્ગજ નેતાને પણ નહોતા મળ્યા.
એક અહેવાલ પ્રમાણે બેઈજિંગમાં, જિનપિંગ સાથે તેમના ઘરે જે બની રહ્યું છે તે આખી દુનિયાને હચમચાવી શકે છે. જે લોકો જિનપિંગને ફરી સત્તામાં જોવા ઈચ્છે છે તેમની જિનપિંગ ત્રીજી વખત પણ રાષ્ટ્રપતિ બને તેવી આશાઓ પર પાણી ફરી વળે તેવી શક્યતા છે. ચીનના સોશિયલ મીડિયામાં એવા અહેવાલોએ જોર પકડ્યું છે કે, બેઈજિંગ હાલ સૈન્યના તાબામાં છે. એક રીતે શહેરનો વિશ્વ સાથેનો સંપર્ક પણ કપાઈ ચુક્યો છે. ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ અને ચીનના પૂર્વ વડાપ્રધાન વેન જિયાબાઓએ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ સભ્ય સોંગ પિંગને સમજાવીને ફરી સેન્ટ્રલ ગાર્ડ બ્યુરોનો કંટ્રોલ મેળવી લીધો છે.