જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસમાં રહેતા મહિલા ઉપર ખોટો વહેમ રાખી મહિલા સહિતના બે શખ્સોએ સિટી ‘સી’ પોલીસ સ્ટેશનની બહાર બોલાવી ધોકા વડે હુમલો કરી ફરિયાદ ન કરવા ધમકી આપી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના અંધાશ્રમ આવાસના બ્લોક નંબર 43, રૂમ નં. 11-એમાં રહેતાં રંજનબેન અશોકભાઇ ગુઢકા નામના મહિલાને બાજુમાં રહેતાં નિરૂભા જાડેજાને ભાઇ માન્યો હતો. તેમ છતાં નિરૂભાના પત્ની ગુલાબબા નિરૂભા જાડેજા દ્વારા મહિલા ઉપર ખોટો વહેમ રાખી, બોલાચાલી કરી, માર મારતા મહિલા સિટી ‘સી’ પોલીસ સ્ટેશને ગયા હતા. જ્યાં ગુલાબબા તથા રાજ ઉર્ફે લાલિયો નિરૂભા જાડેજા નામના માતા અને પુત્રએ રંજનબેનને પોલીસ સ્ટેશનની બહાર બોલાવી, ગાળાગાળી કરી, ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજએ મહિલાને પોલીસ ફરિયાદ ન કરવા ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલા દ્વારા જાણ કરાતાં પીએસઆઇ એમ. વી. દવે તથા સ્ટાફએ માતા અને પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.