Friday, September 11, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસપ્લાસ્ટિક વગર પણ જીવાય: રોજના વપરાશમાં કરો આ નાના ફેરફાર

પ્લાસ્ટિક વગર પણ જીવાય: રોજના વપરાશમાં કરો આ નાના ફેરફાર

આજે પ્લાસ્ટિક આપણા જીવનનો એક એવો ભાગ બની ગયું છે કે તેના વિના જીવવું અશક્ય લાગે છે. સવારે ઉઠતાંની સાથે જ હાથમાં લેવાતા ટૂથબ્રશથી લઈને રાત્રે દૂધની થેલી સુધી, આપણે ચારેય તરફ પ્લાસ્ટિકથી ઘેરાયેલા છીએ. પરંતુ આ ‘સરળતા’ પાછળ પર્યાવરણ, મૂંગા પશુઓ અને માનવ સ્વાસ્થ્ય બહુ મોટી કિંમત ચૂકવી રહ્યું છે.

- Advertisement -

સસ્ટેનેબલ લિવિંગ કોઈ અઘરો કે મોંઘો ખ્યાલ નથી. તેનો અર્થ માત્ર એટલો જ છે કે આપણે આપણી દૈનિક આદતોમાં એવા નાના ફેરફારો કરીએ જેથી કુદરતને નુકસાન ન પહોંચે.

પ્લાસ્ટિક કેમ અત્યંત ચિંતાનો વિષય છે?

  • આપણે જે સિંગલ-યુઝ પ્લાસ્ટિક વાપરીએ છીએ, તે ક્યારેય નાશ પામતું નથી. તે સો વર્ષ સુધી જમીન કે દરિયામાં નાના-નાના ઝેરી કણોમાં વિભાજિત થતું રહે છે, જે કુદરત અને જીવસૃષ્ટિ માટે વિનાશક છે:
  • માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર: પ્લાસ્ટિકમાં ગરમ ખોરાક કે ચાઇ-કોફી લેવાથી બિસ્ફેનોલ-એ (BPA) અને થેલેટ્સ જેવા ઝેરી રસાયણો પેટમાં જાય છે, જેનાથી કેન્સર, હોર્મોનલ અસંતુલન, થાઇરોઇડ અને પ્રજનન ક્ષમતા ઘટવાનું જોખમ રહે છે.
  • મૂંગા પશુઓ માટે પ્રાણઘાતક: રસ્તા પર ફેંકાયેલી પ્લાસ્ટિકની કોથળીઓ ગાય અને અન્ય પશુઓ ખોરાક સમજીને ગળી જાય છે. આ પ્લાસ્ટિક પેટમાં જમા થઈને આંતરડાં બ્લોક કરે છે, જેનાથી તેમનું કરૂણ મૃત્યુ થાય છે.
  • દરિયાઈ જીવસૃષ્ટિનો વિનાશ: દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિક દરિયામાં ઠલવાય છે. કાચબા, માછલીઓ અને અન્ય દરિયાઈ જીવો તેને ખોરાક સમજીને ખાવાથી કે તેમાં ફસાવાથી મૃત્યુ પામે છે.
  • જમીન અને હવા પ્રદૂષણ: પ્લાસ્ટિક જમીનમાં ભળવાથી વરસાદી પાણી ઊંડે ઉતરતું અટકે છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે. તેમજ પ્લાસ્ટિક સળગાવવાથી નીકળતો ઝેરી ધુમાડો શ્વાસ અને ફેફસાના રોગો નોતરે છે.

દૈનિક જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના સરળ ઉપાયો

આપણે આપણી દિનચર્યામાંથી પ્લાસ્ટિક દૂર કરવા માટે આ નાના પરંતુ ખૂબ જ અસરકારક પગલાં ભરી શકીએ છીએ:

- Advertisement -
  1. ખરીદી માટે કાપડની થેલી સાથે રાખો
    બજાર કે શાકભાજી લેવા જતી વખતે હંમેશા ઘરેથી જ કાપડ કે શણની (Jute) થેલી સાથે રાખો. ગાડી કે બાઇકની ડેકીમાં ૨-૩ થેલીઓ કાયમ રાખવાની ટેવ પાડો જેથી પ્લાસ્ટિક કેરી બેગ લેવાની જરૂર ન પડે.
  2. સ્ટીલની બોટલ વાપરો
    બહાર જતી વખતે ઘરેથી જ સ્ટીલ કે કાચની બોટલમાં પાણી ભરીને નીકળો. રસ્તામાં મળતી સિંગલ-યુઝ પ્લાસ્ટિક બોટલ ખરીદવાનું ટાળો.
  3. કિચનમાંથી પ્લાસ્ટિક દૂર કરો
    રસોડામાં મસાલા, દાળ અને અનાજ ભરવા માટે પ્લાસ્ટિકના ડબ્બાને બદલે કાચ કે સ્ટીલના વાસણો અપનાવો. ગરમ ખોરાક ક્યારેય પ્લાસ્ટિકના પાત્ર કે ઝભલા કોથળીમાં ન રાખો.
  4. પ્લાસ્ટિક કટલરી અને સ્ટ્રોને ના કહો
    જ્યુસ કે કોલ્ડડ્રિંક્સ પીતી વખતે પ્લાસ્ટિક સ્ટ્રો લેવાની ના પાડો. પ્રસંગોમાં પ્લાસ્ટિકની થાળી-ગ્લાસના બદલે સ્ટીલના વાસણો કે પાંદડામાંથી બનેલા પતરાળા-પડિયા વાપરો.
  5. ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો પસંદ કરો
    પ્લાસ્ટિક ટૂથબ્રશના બદલે વાંસનું (Bamboo) બ્રશ, પ્લાસ્ટિક કાંસકીના બદલે લાકડાની કાંસકી અને લિક્વિડ બોટલના બદલે સાબુ વાપરવાનું શરૂ કરો.

જાગૃતિ એ જ સાચું પરિવર્તન છે

પ્લાસ્ટિક મુક્ત જીવન તરફનું પહેલું પગલું અસ્વીકારથી શરૂ થાય છે. જ્યારે આપણે દુકાનદાર પાસેથી પ્લાસ્ટિકની થેલી લેવાની ના પાડીશું, ત્યારે જ બજારમાં તેની માંગ ઓછી થશે.

આપણે એક જ દિવસમાં 100% પ્લાસ્ટિક મુક્ત નથી બની શકતા, પણ જો દરેક વ્યક્તિ દરરોજ ૨ થી ૩ પ્લાસ્ટિકની વસ્તુઓનો અસ્વીકાર કરે, તો વર્ષે હજારો ટન કચરો ઘટશે. આપણી આવનારી પેઢીને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સુરક્ષિત પૃથ્વી આપવા માટે આજે જ આ નાનો ફેરફાર કરીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular