જામનગર જિલ્લામાં પીવાના પાણીના પુરવઠા બદલ ગુજરાત પાણી પુરવઠા બોર્ડને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકાઓ તેમજ સરકારી અને અન્ય સંસ્થાઓ પાસેથી કરોડો રૂપિયાનું લેણું વસૂલવાનું બાકી હોવાનું સામે આવ્યું છે. પાણી જેવી જીવનજરૂરી સેવા સતત ચાલુ રાખવાની ફરજ વચ્ચે વિભાગ માટે બાકી વસૂલાતનો મુદ્દો ગંભીર બન્યો છે. હાલ જિલ્લામાં કુલ ₹51.87 કરોડથી વધુની રકમ વસૂલવાની બાકી હોવાનું સત્તાવાર આંકડાઓમાં સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લામાં આવેલી વિવિધ ગ્રામ પંચાયતોને પાણી પુરવઠા બોર્ડ દ્વારા નિયમિત રીતે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. ગ્રામ પંચાયતો માટે પ્રતિ 1000 લીટર દીઠ ₹2 ના દરે બિલ વસૂલવામાં આવે છે. જોકે ઘણી ગ્રામ પંચાયતો દ્વારા સમયસર બિલની ચૂકવણી કરવામાં આવતી નથી. પરિણામે હાલમાં માત્ર ગ્રામ પંચાયતો પાસેથી જ અંદાજે ₹38 કરોડ જેટલી રકમ બાકી હોવાનું જાણવા મળે છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ અનેક ગ્રામ પંચાયતો વર્ષોથી જૂના બિલોનું સંપૂર્ણ ચુકવણું કરી શકી નથી. દર મહિને નવા બિલ ઉમેરાતા જતા હોવાથી બાકી લેણાંનો આંકડો સતત વધી રહ્યો છે. કેટલીક ગ્રામ પંચાયતો નિયમિત ચુકવણી કરે છે, પરંતુ મોટા ભાગની પંચાયતોમાં બાકી રકમનું પ્રમાણ ચિંતાજનક છે.
નગરપાલિકાઓની સ્થિતિ પણ ખાસ સંતોષકારક નથી. નગરપાલિકાઓને પ્રતિ 1000 લીટર દીઠ ₹4ના દરે પાણી આપવામાં આવે છે. જિલ્લામાં આવેલી નગરપાલિકાઓ પાસેથી કુલ ₹10.96 કરોડનું લેણું બાકી છે. જેમાં જામજોધપુર નગરપાલિકા પાસે ₹6.77 કરોડ, કાલાવડ નગરપાલિકા પાસે ₹2.83 કરોડ તથા ધ્રોલ નગરપાલિકા પાસે ₹80.05 લાખ જેટલી રકમ બાકી હોવાનું નોંધાયું છે. અન્ય નગરપાલિકાઓની બાકી રકમ સાથે કુલ આંકડો ₹10.96 કરોડ સુધી પહોંચ્યો છે.
View this post on Instagram
માત્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ જ નહીં પરંતુ કેટલીક સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ દ્વારા પણ પાણીના બિલની નિયમિત ચુકવણી કરવામાં આવતી નથી. વિભાગના આંકડાઓ મુજબ બાલાચડી સ્થિત સૈનિક સ્કૂલ પાસે ₹13.16 લાખ અને વેસ્ટર્ન રેલવે (પશ્ચિમ રેલવે) પાસે આશરે ₹33૩ લાખનું લેણું બાકી છે. આ ઉપરાંત અન્ય વિવિધ સંસ્થાઓ પાસેથી પણ આશરે ₹1.70 કરોડ જેટલી રકમ વસૂલવાની બાકી હોવાનું સામે આવ્યું છે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા બાકી વસૂલાત માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સંબંધિત ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને સંસ્થાઓને નિયમિત બિલ મોકલવામાં આવે છે. ઉપરાંત બાકીદારોને સમયાંતરે નોટિસ પાઠવીને રકમ જમા કરાવવા સૂચના આપવામાં આવે છે. છતાં વર્ષો જૂના લેણાં યથાવત રહેતા હોવાથી વિભાગની ચિંતા વધી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર પીવાનું પાણી જીવનજરૂરી સેવા હોવાથી માત્ર બાકી બિલના આધારે પાણી પુરવઠો બંધ કરવો શક્ય નથી. જો કોઈ ગામ કે શહેરનો પાણી પુરવઠો બંધ કરવામાં આવે તો સીધી અસર સામાન્ય નાગરિકો પર પડે. આથી વિભાગને બાકી વસૂલાત હોવા છતાં નિયમિત પાણી પહોંચાડવું પડે છે.
પાણી પુરવઠા બોર્ડને પાણી શુદ્ધિકરણ, પમ્પિંગ સ્ટેશન, વીજળી ખર્ચ, પાઈપલાઈન જાળવણી અને અન્ય વહીવટી ખર્ચ માટે દર વર્ષે મોટી રકમ ખર્ચવી પડે છે. બીજી તરફ કરોડો રૂપિયાનું લેણું અટવાઈ જતાં વિભાગ પર નાણાકીય દબાણ વધી રહ્યું છે. અધિકારીઓનું માનવું છે કે જો ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને સરકારી સંસ્થાઓ સમયસર બિલની ચૂકવણી કરે તો પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકાય અને નવી યોજનાઓને પણ વેગ મળી શકે. હાલમાં જામનગર જિલ્લામાં કુલ ₹૫૧.૮૭ કરોડથી વધુની બાકી વસૂલાત પાણી પુરવઠા વિભાગ માટે મોટો પડકાર બની છે.


