Thursday, July 10, 2025
Homeરાજ્યગુજરાતઅમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા - VIDEO

અમદાવાદ રથયાત્રામાં ઉશ્કેરાયેલા હાથીઓની મદદે વનતારા – VIDEO

રથયાત્રા દરમિયાન હાથીઓના ઉશ્કેરાટ બાદ વનતારાએ નિષ્ણાત ઇમરજન્સી ટીમ અને એમ્બ્યુલન્સને મોકલી

અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ શુક્રવારે અમદાવાદ ખાતે 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમરજન્સી ટીમ તૈનાત કરી હતી. આ ટીમમાં બે વન્યજીવ પશુચિકિત્સકો, છ વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો, જે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા.

- Advertisement -

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી જ્યારે શોભાયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો. પાછળ પાછળ આવી રહેલા બે હાથીઓ પણ ગભરાઈ ગયા અને દોડી ગયા, જેના કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી અને થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

- Advertisement -

વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી, વર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું.

“રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ અમે તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો. તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી,” તેમ ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડો. કે. રમેશ (આઇએફએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. “વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી, તેમ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું.

- Advertisement -

વનતારા વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર ધરાવે છે, જે 998 એકરમાં ફેલાયેલું છે, તેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધ, માનવસર્જિત જંગલનો સમાવેશ થાય છે. આ સેન્ટર સર્કસ, ભીખ માંગવા, પર્યટન અને લાકડા કાપવામાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા 260 બચાવેલા હાથીઓને આજીવન સંભાળ પૂરી પાડે છે. આ સેન્ટર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ પણ ધરાવે છે અને તેણે મહત્વની અનેક પશુચિકિત્સાને લગતી નવીનતાઓનો પાયો નાખ્યો છે, જેમાં નર હાથી પર પ્રથમ મોતિયાની શસ્ત્રક્રિયા અને હાથીઓ માટે વિશ્વના પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરનો સમાવેશ થાય છે. તેની સુવિધાઓમાં હાઇડ્રોથેરાપી પૂલ, કુદરતી તળાવો, કાદવના ઢગલા, પાણીના ફુવારા, રેતીના ઢગલા અને સાંકળ-મુક્ત મસ્થ એન્ક્લોઝરનો સમાવેશ થાય છે – જે બચાવાયેલા હાથીઓમાં વ્યાપક શારીરિક અને માનસિક સ્થિતિની પુન:પ્રાપ્તિ કરાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરમાં 650થી વધુ પ્રોફેશનલ્સ કાર્યરત છે -જેમાં પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓનો સમાવેશ થાય છે-જેઓ પ્રાણીઓને સકારાત્મક મજબૂતીકરણ પર આધારિત નૈતિક, કરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular