જામનગર શહેરમાં રણજિતસાગર રોડ વિસ્તારમાં રહેતા મહિલાએ તેની દીકરીના લગ્ન માટે 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ પેટે 3 લાખ 42 હજાર ચૂકવી દીધા છતાં વ્યાજખોરે મકાન ગીરવે લઇ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માર મારવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ રણજિતસાગર રોડ પર આવેલી પુષ્કર શેરી નંબર 8માં રહેતા મંજુબેન કાનાભાઇ ખરા નામના મહિલાએ તેની દીકરીના લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી જામનગરમાં રહેતા કમલેશ ચંદુ ચાંદ્રા નામના શખ્સ પાસેથી રૂા. 3 લાખ લીધા હતા. જે પેટે મહિલા દર મહિને રૂા. 19 હજાર રૂપિયા આપતી હતી. વ્યાજખોરે રૂપિયાના પેટે મહિલાનું મકાન પણ ગિરવે રાખ્યું હતું. સિકયોરિટી પેટે બેન્ક ઓફ ઈન્ડિયાના મહિલાની સહીવાળા ત્રણ કોરા ચેક પણ લઇ લીધા હતા. દરમ્યાન મહિલાએ આજદિવસ સુધી વ્યાજખોરને રૂા. 3.42 લાખ ચૂકવી દીધા હોવા છતાં એક મહિનાથી મહિલાએ વ્યાજ નહીં આપ્યું ન હતું. જેથી વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી ગાળો કાઢી પાઇપ વડે માર મારવાની મહિલાને ધમકી આપી હતી.
ત્યારબાદ મહિલાએ કંટાળીને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કમલેશ ચાંદ્રા વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હે.કો. વાય.એન.સોઢા તથા સ્ટાફએ વ્યાજખોર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.