ઉનાળાના ધોમધખતા તાપ બાદ હવે ચોમાસાનો પ્રવેશ થઈ ચૂકયો છે. ઋતુઓની રાણી ‘વર્ષારાણી’ એ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે. ત્યારે સામાન્ય રીતે ઋતુઓનો આ બદલાવ નાના-મોટા દરેકના સ્વાસ્થ્ય પર અસર કરે છે બદલાતી ઋતુઓ દરમિયાન રોગપ્રતિકારક શકિત નબળી પડી જાય છે અને ચેપનું જોખમ વધે છે. આવી સ્થિતિઓમાં ખોરાકથી લઇને જીવનશૈલી સુધીની દરેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આપણા રોજીંદા જીવનમાં આપણી રોજીંદી ટેવો તેમજ ખોરાકની ખૂબ જ અસર થાય છે. ત્યારે દરેક વ્યક્તિ એ ચોમાસાના આગમન સાથે શું ફેરફાર કરવો શું ખાવું અને શું ન ખાવું વગેરે બાબતો અંગે એકસપર્ટના માર્ગદર્શન અનુસાર જાણીએ…
ચોમાસાની ઋતુમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે. ચોમાસાની ઋતુ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ આપણા શરીરને ઘણાં ચેપ અને રોગો માટે વધુ સંવેદનશીલ બનાવે છે એક તરફ વરસાદની ઋતુ ઠંડક અને તાજગી લાવે છે. બીજી તરફ ભેજ, ગંદકી અને બદલાતા તાપમાન શરીરની રોગપ્રતિકારક શકિતને નબળી પાડે છે. જેના કારણે શરદી, વાયરલ, તાવ, પેટના ચેપ, ફુડ પોઇઝનીંગ અને ચામડીના રોગોનું જોખમ વધે છે આવી સ્થિતિમાં ઋતુ અનુસાર ખોરાકની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જનરલ મેડીસિન અને ફિઝીશિયન ક્ધસલ્ટન્ટ ડો. ભુમેશ ત્યાગીના મતે બદલાતા હવામાન સાથે આપણે ખોરાકથી લઇને જીવનશૈલી સુધીની દરેક બાબતનું ધ્યાન રાખવું પડે છે આ સમય દરમિયાન રોગપ્રતિકારક શકિત નબળી પડી જાય છે અને ચેપનું જોખમ વધી જાય છે. ચાલો તો જાણીએ વરસાદની ઋતુમાં આહાર કેવો હોવો જોઇએ…
મોસમી ફળો ખાઓ :- મોસમી ફળો વિટામિન અને ખનિજોથી ભરપુર હોય છે જે રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે. આ ફળોને તમારા ચોમાસાના આહારમાં સામેલ કરવા જોઇએ. ચોમાસા દરમિયાન સફરજન, નાસપતી, દાડમ, લીચી અને કેળા જેવા ફળો ખાવા જોઇએ. તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને તેથી પાણીજન્ય રોગોનું જોખમ ઓછું થાય છે.
તળેલો ખોરાક ટાળવો :- વરસાદની ઋતુમાં તળેલો ખોરાક ખૂબ ભાવતો હોય છે પરંતુ, પાચનક્રિયાને તે ખૂબ અસર કરે છે તળેલા ખોરાકમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી પાચનક્રિયા ધીમી પડે છે અને પેટ ફુલવા લાગે છે.
મસાલદેાર ખોરાક ટાળવો :- મસાલેદાર ખોરાક પાચન સમસ્યાઓ વધારે છે જે ચોમાસાની ઋતુમાં એક સામાન્ય સ્થિતિ છે. ભેજ શરીરની પાચન ક્ષમતાને અસર કરે છે અને મસાલેદાર ખોરાક ખાવાથી એસિડીટી, અપચો અને અસ્વસ્થતા થઈ શકે છે. પેટ શાંત રાખવા માટે હળવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક લેવો વધુ સારો છે.
મીઠું ટાળો :- વધારે પડતું મીઠું પાણી જાળવી રાખવા અને પેટનું ફુલવુ તરફ દોરી શકે છે જે ખાસ કરીને ભેજવાળા હવામાનમાં અસ્વસ્થતા પેદા કરે છે અને હાઈબ્લડપ્રેશર જેવી પરિસ્થિતિઓને વધારી શકે છે. ચોમાસાના આહારને ભાગરૂપે મીઠાનું સેવન ઓછું કરવાથી પ્રવાહી સંતુલન જાળવવામાં મદદ મળે છે.
હોર્મોનલ સંતુલ ન જાળવવા આહાર :- મખાના અને ગોળ બન્ને સ્ત્રીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. મખાના શરીરને ઠંડુ પાડે છે જ્યારે ગોળ રકત પ્રવાહને નિયંત્રિત કરે છે. જેના સેવનથી હોર્મોનલ સંતુલન યોગ્ય રહે છે.
રોગપ્રતિકારક શકિત વધારનાર :- ગોળમાં રહેલા એન્ટીઓકસીડેન્ટ શરીરને ડીટોકસ કરે છે અને લોહીને શુધ્ધ કરવામાં મદદ કરે છે. બંન્નેના સેવનથી રોગો માટે લડવાની ક્ષમતા પણ વધારે છે.
આમ, ચોમાસાની ઋતુમાં મોસમી ફળો લેવા જોઇએ તેમજ તળેલો અને મસાલદેાર આહાર ટાળવો જોઇએ તેમજ હોર્મોન્સને બેલેન્સ કરે તેવો તેમજ રોગ પ્રતિકારક શકિત વધારે તેઓ આહાર લેવો જોઇએ.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)