જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળ ગામના પાટિયા નજીક બાઇક પર જતાં બે મિત્રોનું વાહન મિલર સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બન્ને મિત્રોને ટાયરના જોટામાં આવી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે મિલર ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાંબુડિયા ગામનો વતની અને હાલ જામનગરમાં હનુમાન ટેકરી, ખુલ્લા ફાટક પાસેના વિસ્તારમાં રહેતો પીયૂશ બાબુભાઇ ધવડ અને તેનો મિત્ર ભરત ઉર્ફે કલો ભૂપતભાઇ ડોડિયા નામના બન્ને મિત્રો ગત્ તા. 29ના રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં પીયૂશના જીજે10-ડીએફ-5978 નંબરના બાઇક પર જામનગરથી ખંભાળિયા તરફના ધોરીમાર્ગ પર જતા હતા ત્યારે લાખાબાવળ ગામના પાટિયા નજીક પહોંચ્યા ત્યારે સામેથી આવી રહેલા જીજે10-ટીએક્સ-7512 નંબરના મિલર સાથે અથડાતાં બાઇકસવાર યુવાનો મિલરના ટાયરના જોટામાં આવી જતાં પીયૂશ ધવડ નામના યુવાનનું માથું ચગદાઇ જતાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જ્યારે ભરત ઉર્ફે કલો ડોડિયા નામના યુવાનને શરીરે ગંભીર ઇજા પહોંચતા જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની જાણના આધારે એએસઆઇ સી. ટી. પરમાર તથા સ્ટાફએ બન્ને મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતક પીયૂશના ભાઇ જયદીપભાઇના નિવેદનના આધારે મિલર ચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.