જામનગરમાં જીઆઇડીસી પ્લોટ ધારકો દ્વારા જામનગર મહાનગરપાલિકા સામે કરેલ મિલ્કતવેરા સબંધેની એલપીએ હાઇકોર્ટ દ્વારા રીજેકટ કરી નાખી છે અને બાકી વેરો ભરપાઇ કરી આપવા પણ ફરમાન કર્યુ છે.
જીઆઇડીસીના ઉદ્યોગકારો અને જામનગર મહાનગરપાલિકા વચ્ચે મિલ્કતવેરા સબંધે લાંબા સમયથી જંગ ચાલતો હતો. જેમાં કોર્ટ દ્વારા ઉદ્યોગકારોની અપીલ ફગાવી દેવામાં આવતા જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસુલાત કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. પરંતુ વેરો નહીં ભરવાનું જણાવી કેટલાક પ્લોટ ધારકોએ ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ સીવીલ એપ્લીકેશન કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સ્પેશ્યલ સીવીલ એપ્લીકેશન રદ કરી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી દરમિયાન કેટલાક ઉદ્યોગકારો સામે મિલ્કત સીલ કરવા સહિતના પગલા પણ લીધા હતાં. જેને લઇ ઉદ્યોગકારો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જીઆઇડીસી પ્લોટ ધારકોએ ગુજરાત હાઇકોર્ટની બેંચ સમક્ષ એલપીએ દાખલ કરવામાં આવી હતી. જેમાં જામનગર મહાનગરપાલિકાના વકીલોએ આ વેરો ઉઘરાવવો યોગ્ય હોવાની ધારદાર દલીલો કરી હતી. આખરે ગુજરાત હાઇકોર્ટની બેંચે જીઆઇડીસી પ્લોટ ધારકોની આ એલપીએ રીજેકટ કરી હતી. અને બાકી નિકળતો તમામ વેરો જામનગર મહાનગરપાલિકામાં ભરવા માટે આદેશ કર્યો હતો. આથી ઉદ્યોગકારોએ બાકી રહેતો તમામ વેરો ભરપાઇ કરવો પડશે આમ આ ચુકાદાથી જામનગર મહાનગરપાલિકાનો વિજય થયો છે.