જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા અને વકિલ મંડળના સેક્રેટરી એવા એડવોકેટની ગત્રાત્રિના સમયે તેના ઘરનું તાળું ખોલવા જતા હતા ત્યારે બે શખ્સોએ આવીને છરીના પાંચથી છ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતાં એડવોકેટ ત્યાં જ ઢળી પડતાં કાલાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયાનું જાહેર કરાતા હત્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
વકીલની હત્યાના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ ગામમાં અવધ સોસાયટીમાં રહેતાં એડવોકેટ ઇમ્તિયાઝભાઇ કેશરભાઇ ડોડિયા કાલાવડ વકીલ મંડળના સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી રહ્યાં છે. એડવોકેટ ગત્રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં તેના ઘરે જઇ ઘરનું તાળું ખોલતા હતા ત્યારે કાલાવડમાં જ રહેતા વૈભવ ચાવડા તથા યોગેશ ઉર્ફે લાલો ભીખાલાલ પરમાર નામના બે શખ્સોએ આવીને વકીલ ઇમ્તિયાઝને આંતરીને છાતીમાં તથા પીઠના ભાગે ઉપરાઉપરી પાંચથી છ ઘા ઝીંકતા લોહીલુહાણ હાલતમાં વકીલ ઇમ્તીયાઝભાઇ ત્યાં જ ઢળી પડયા હતા. હુમલાના બનાવમાં દેકારો થતાં ઇમ્તીયાઝભાઇના ભાઇ આસિફભાઇ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં તેના ભાઇને બચાવવાનો પ્રયાસ કરતાં બન્ને શખ્સોએ આસિફને ગાળો આપી ધમકી આપી હતી કે, જો કોઇને બનાવ વિશે વાત કરીશ તો તારા પણ તારા ભાઇ જેવા હાલ કરશું. તેવી ધમકી આપી બન્ને હુમલાખોરો પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં ઇમ્તીયાઝભાઇને કાલાવડની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
કાલાવડમાં વકીલની હત્યાની જાણ થતાં કાલાવડ પીઆઇ એન. વી. આંબલિયા તથા સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલે પહોંચી ગઇ હતી. તેમજ જામનગર એલસીબીની ટીમ પણ કાલાવડ દોડી ગઇ હતી. હત્યાના બનાવ અંગે મૃતકના ભાઇ આસિફભાઇ કેશરભાઇ ડોડિયા દ્વારા નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ મૃતક ઇમ્તીયાઝભાઇને આરોપી વૈભવ ચાવડાની પત્ની ઉપર ખરાબ નજર નાખવા બાબતે અગાઉથી મનદુ:ખ ચાલતું હતું. આ બાબતનો ખાર રાખી વૈભવ ચાવડા અને યોગેશ ઉર્ફે લાલાએ પૂર્વઆયોજિત કાવતરું રચી રેકી કરી હતી અને ગત્રાત્રિના એડવોકેટ તેના ઘર પાસે પહોંચ્યા અને કારમાંથી ઉતર્યા ત્યારે જ બન્ને શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકયા હતા.
પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી જામનગરની જી જી હોસ્પિટલમાં પેનલ પીએમ કરાવવા મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યાના બનાવની જાણના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી આર. બી. દેવધા તથા એલસીબીની ટીમ તપાસમાં જોડાઇ ગઇ હતી. એડવોકેટની હત્યાથી જામનગર બાર એસોસિએશનમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જામનગર જિલ્લામાં એક વર્ષ અગાઉ વકીલ હારૂન પલેજાની હત્યા કરવામાં આવી હતી. ગઇકાલે કાલાવડમાં વધુ એક વકીલની હત્યાથી વકીલઆલમમાં ફફડાટ ફેલાઇ ગયો છે.