સુરતના ખટોદરામાં ન્યૂ સિટિલાઈટ રોડ પર બિલ્ડર ગોપાલ ડોકાનીયાની ઓફિસમાંથી રોકડા રૂ.90 લાખની ચોરી થવાના બનાવમાં હજી સુધી પોલીસ કોઈને પકડી શકી નથી પરંતુ જ્યાંથી ચોરી થઈ ત્યાં જ બાજુમાં બિલ્ડરના કર્મચારીઓના રહેવા માટેની લેબર કોલોનીમાંથી એક કર્મચારીની ફાંસો ખાધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોપાલ ડોકાનીયાની 90 લાખની ચોરીમાંં થઈ હતી. જેમાં સીસી ફુટેજમાં બે અજાણ્યાઓ ચોરી કરતા અને ચોરી કરીને નાસતા જતા દેખાય છે. હજી સુધી પોલીસ ગુનાનો ભેદ ઉકેલી શકી નથી. ત્યારે જ્યાં ચોરી થઈ તે ઓફિસથી 50 ફુટના અંતરે આવેલ કર્મચારીઓની કોલોનીમાંથી એક કર્મચારીની ફાંસો ખાધો હતો.
મરનાર કર્મીનું નામ અજીતકુમાર ધર્મરાજ બીંદ(21 વર્ષ.રહે. હાલ લેબર કોલોની,આશિર્વાદ એસ્ટેટ,ન્યૂ સિટિલાઈટ રોડ.મૂળ બિઠ્ઠલપુરા ઉર્ફ બારામતપુર કેવાઈ બુજુર્ગ, અલાહાબાદ) છે. મરનારે કેબલ વાયર સિલિંગ ફેન સાથે બાંધીને ફાંસો ખાધો હતો.
ખટોદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ટી.વી.પટેલે જણાવ્યું હતું કે, કર્મીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.ફોરેન્સીક વિભાગના વડા ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે મૃતકનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં મૃતકનું મોત ફાંસો ખાવાથી થયું હોવાનું સામે આવ્યું છે. મૃતકના શરીર પરથી મારના કે કોઈ ઈજાના નીશાન મળી આવ્યા નથી. પોલીસે હાલ અકસ્માત મોતનો બનાવ દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જે ઓફિસમાં ચોરી થઈ તેના બાજુમાં લેબર કોલોની છે. ત્યાં કર્મચારીઓ રહે છે. કેમેરામાં દેખાય છે કે તસ્કરો લેબર કોલોની તરફથી આવે છે અને ઓફિસમાં આરામથી આવીને સીધી ચોરી કરીને બિલ્ડર ગોપાલ ગોકાનીયાની કેબીનમાં પ્રવેેશી પાછળના દરવાજાથી બહાર નીકળીને પાછળના ભાગે આવેલ મહેંદીપુર બાલાજી મંદિર તરફ ભાગે છે. તમામ કર્મચારીઓની પૂછપરછ કરી છે. તેમાં અજીતકુમારની પણ પૂછપરછ કરી હતી.
મૃતકના પિતરાઈ ભાઈ રત્નેશ બીંદે આક્ષેપ કર્યો હતો કે અમારા ભાઈ અજીતે આપઘાત નથી કર્યો તેની હત્યા થઈ છે. જ્યાં ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો ત્યાં તેના પગ નીચે અડી જતા હતા. અજીતને અમારો હમવતની માનસીંગ ત્યાં લઈ ગયો હતો અને નોકરી પર લગાવ્યો હતો. મંગળવારે સાંજે માનસીંગ અને તેની સાથે સાદા કપડામાં અન્ય વ્યક્તિ મારી રૂમ પર આવ્યા હતા અને રૂમની તલાશી લીધી હતી. ત્યાર બાદ મને સાથે અજીત જ્યાં કામ કરતો હતો ત્યાં લઈ ગયા હતા. ત્યા મારો તમામ બાયોડેટા પુછ્યો હતો 1 કલાક સુધી બધી પુછપરછ બાદ મને આપઘાત કર્યાનું જણાવ્યું હતું. એક વ્યક્તિએ મને કહ્યુંં કે અજીતને સોમવારે રાત્રે પોલીસ લઈ ગઈ હતી અને મંગળવારે સવારે તે કંપનીના ગેટ પાસે રડતો હતો.
બિલ્ડરની ઓફિસમાં 90 લાખની ચોરી, પૂછપરછ બાદ કારીગરનો મૃતદેહ મળી આવ્યો !
આ કારીગરને પોલીસ ઉપાડી ગઇ હતી, પરત આવ્યા પછી આ કારીગર રડતો હતો