જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખુબ જ વ્યસ્ત રહે છે. મુખ્ય અધિકારી જામનગર-રાજકોટ વચ્ચે દોડાદોડી કરે છે. તેમની પાસે કામ કરવાનો પણ સમય નથી. આ સ્થિતિમાં તેઓ 24 કલાક શું કામ કરે છે ? તે પ્રશ્ન ઘણાં લોકોને અકળાવી રહ્યો છે. જામનગર અને દ્વારકા જિલ્લાના હોસ્પિટલ સહિતના ઘણાં બધાં એકમોને આ કચેરી દ્વારા નોટીસ આપવામાં આવી છે. આ નોટીસ બાયોમેડિકલ વેસ્ટના નિકાલના સંદર્ભમાં કચેરીમાંથી પ્રમાણપત્ર મેળવવા સંબંધે છે. પરંતુ ખુબીની વાત એ છે કે, આ નોટીસ પ્રાપ્ત કર્યા પછી આવા ઘણાં બધાં એકમો તંત્રને નોટીસનો જવાબ આપવાની પણ તસ્દી લેતાં નથી. આમ છતાં આવા બેદરકાર એકમો વિરૂધ્ધ સામાન્ય અથવા આકરી કાર્યવાહી કે, ચેકીંગ કરવાનો પ્રદૂષણ નિયંત્રણ કચેરી પાસે સમય નથી. ત્યારે સ્વાભાવિક પ્રશ્ર્ન એ થાય કે, જો કચેરીના અધિકારીઓ અને સ્ટાફ પાસે કામ કરવાનો સમય ન હોય તો, આ આખો કાફલો કાયમ માટે કચેરીના સમય દરમ્યાન કરે છે શું?!
જામનગર શહેર જિલ્લા ઉપરાંત દ્વારકા જિલ્લામાં કેટલાં પ્રકારના પ્રદૂષણો ફેલાઇ રહ્યા છે. તે સૌને ખબર છે, એક આ કચેરી સિવાય. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની આ કચેરી કયાંય ચેકિંગ માટે જતી નથી, પ્રદૂષણ ફેલાવતાં એકમોને ઠપકો આપતી નથી, રેકર્ડ પર નોટીસ મોકલ્યા પછી નોટીસનું ફોલોઅપ લેતી નથી, પ્રદૂષણ ફેલાવતાં એકમોને દંડ કરતી નથી, અદાલતોમાં ઘસડી જતી નથી. ટૂંકમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી પોતાની કામગીરીનો રિપોર્ટ માત્ર ઉપલી કચેરીઓએ આપે છે. લોકોને ખબર નથી કે, આ કચેરી શું કરે છે? વાસ્તવિકતા એ છે કે, રામેશ્વરનગરમાં સરદાર ભવન ખાતે આવેલી આ કચેરીની મુલાકાતે ઘણાં બધાં વાહનો આવતાં હોય છે. જે સૌને ખબર છે. આ વાહનો લઇને આવતાં લોકો આ કચેરી સુધી શા માટે લાંબા થાય છે? આ લોકો અને કચેરીના જવાબદારો વચ્ચે શું વાતચીત અને શું લેણદેણ થાય છે? વગેરે પ્રશ્નો ના જવાબો જાણવા લોકો માટે જરૂરી છે.
‘ખબર ગુજરાત’ દ્વારા ગઇકાલે બુધવારે આ કચેરીના મુખ્ય અધિકારી મકવાણાને ફોન કરવામાં આવ્યો હતો. અધિકારીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, ગત્ આઠમા મહિનામાં 50 એકમોને બાયો મેડિકલ વેસ્ટ બાબતે નોટીસ મોકલાવવામાં આવી છે. જે પૈકી 26 એકમોએ પ્રમાણ પત્ર મેળવવા અરજીઓ કરી છે. જે લોકોએ એક નોટીસનો જવાબ આપ્યો નથી, તેઓને બીજી નોટીસ મોકલવામાં આવશે.આ સતત ચાલતી પ્રક્રિયા છે.
વાસ્તવિકતા એ છે કે, જામનગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, તોલમાપ કચેરી, ટાઉન પ્લાનિંગ શાખા, પુરવઠા શાખા સહિતની ઘણી કચેરીઓ એવી છે જેઓ પોતાના કામ શાંતિથી પતાવી લે છે. આ પ્રકારની કચેરીઓ ફરજોના અનુસંધાને કોઇ કામગીરી કરતી હોય એવું ભાગ્યે જ જાહેર થતું હોય છે. જામનગર તથા દ્વારકા જિલ્લામાં લાખો લોકો એવાં છે જેઓને એ પણ ખબર નથી કે, ફલાણી કચેરી કઇ જગ્યાએ આવેલી છે ? મોટે ભાગે સરકારી તંત્રો અને મહાનગરપાલિકાની શાખાઓ સમાચારો વહેતા થયા પછી જ, અમે દોડી રહ્યા છીએ એવાં નાટકો કરતાં હોય છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી પણ આ પ્રકારની કચેરી છે.