જામનગરમાં 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 3.5 ડિગ્રી ગગડી જતાં ઠંડીનું જોર વધ્યું છે. ઠંડીનું જોર વધવાની સાથે વ્હેલી સવારે ઝાકળ વર્ષાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. વ્હેલી સવારે તથા મોડીરાત્રે ઠંડીના ચમકારાથી જનજીવન પ્રભાવિત થયું હતું.
જામનગર શહેરમાં છેલ્લા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3.5 ડિગ્રીનો કડાકો બોલી જતાં ઠંડીનું સામ્રાજ્ય છવાયું હતું. મહત્તમ તાપમાનમાં પણ બે ડિગ્રીનો ઘટાડો નોંધાતાં ગરમીનું જોર પણ ઘટયું છે. છેલ્લા ચાર થી પાંચ દિવસથી લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઉંચકાતાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ ફરી તાપમાન ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે. જામનગર કલેકટર કચેરીના જણાવ્યાનુસાર મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી, હવામા ભેજનું પ્રમાણ 69 ટકા નોંધાયું હતું. ગઇકાલે ગુરુવારે લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી અને બુધવારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયા બાદ છેલ્લા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 3.5 ડિગ્રી ગગડયો છે. જેના કારણે વ્હેલી સવારે અને રાત્રીના ટાઢોડુ છવાયું હતું. ગઇકાલે ગુરુવારે સવારે ઝાકળ વર્ષાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વ્હેલી સવારે વ્યવસાય અર્થે જતાં લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતાં.
જામનગર શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં બજારો વ્હેલી બંધ થતી જોવા મળી હતી. બીજી તરફ ઠંડીને પરિણામે લોકો ચા-કોફી-સૂપ, કાવો સહિતની ગરમ વસ્તુઓનો સહારો લેતાં જોવા મળ્યા હતાં.