જામનગર શહેરના સુભાષ બ્રીજ પાસે કબ્રસ્તાન નજીક આવેલી રંગમતિ નદીના કાંઠેથી વધુ એક હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એક સપ્તાહમાં જામનગર શહેરમાં બીજી લાશ મળી આવતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સુભાષ બ્રીજની નજીક આવેલા કેવડાવાળા કબ્રસ્તાન પાસે રંગમતિ નદીના કાંઠેથી સોમવારે સવારના સમયે પુરૂષનો માથાના ભાગે પથ્થરના ઘા ઝિંકી હત્યા નિપજાવેલો મળી આવ્યાની જાણ થતાં પીઆઇ વી. એમ. ડોડિયા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં મૃતદેહના માથામાં કોઇ પથ્થરના ઘા ઝિંકી ગળે ટૂંપો દઇ હત્યા નિપજાવી હોવાના પ્રાથમિક તારણના આધારે પોલીસે ઓળખ મેળવવાનો તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન જામનગર શહેરના બેડી વિસ્તારમાં જડિયા પીરની દરગાહ પાસેના વિસ્તારમાં રહેતા ઇસ્માઇલભાઇ હારૂનભાઇ કેર (ઉ.વ. 59) નામના પ્રૌઢ સોમવારે વહેલી સવારના સાડા પાંચ વાગ્યાના અરસામાં તેની જીજે10 ટીડબલ્યુ 0814 નંબરની સીએનજી રિક્ષામાં ત્રણબત્તી વિસ્તારમાં આવેલી મચ્છી માર્કેટમાં મચ્છીની ખરીદી કરવા ગયા હતા અને ત્યારબાદ ઘરે પરત ફર્યા ન હોવાથી પરિવારજનો દ્વારા પ્રૌઢની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન મિડિયામાં મૃતદેહ સાંપડયાની જાણ થતાં મૃતકનો પુત્ર અસગર સહિતના પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. ત્યાં મૃતકના પુત્ર દ્વારા તેના પિતા ઈસ્માઇલભાઇનો મૃતદેહ હોવાની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે અસગરના નિવેદનના આધારે પ્રૌઢ દરરોજ વેચાણ માટે મચ્છી ખરીદવા પાંચથી સાત હજારની રોકડ રકમ લઇ જતા હતા. પરંતુ મૃતદેહ સાંપડયાના દિવસે ઘટના સ્થળ પરથી તેમનું પાકિટ, મોબાઇલ ફોન અને રોકડ રકમ ગૂમ હોવાનું જણાયું હતું. બનાવના સ્થળેથી થોડે દૂર રવિવારી બજારના નદીના પટમાંથી પ્રૌઢની રિક્ષા મળી આવી હતી.
પોલીસ દ્વારા મૃતકના પુત્રના નિવેદનના આધારે અજાણ્યા શખ્સોએ પ્રૌઢને સુભાષ બ્રીજ વિસ્તારમાં નદી કાંઠે લઇ જઇ તેને દોરી કે કાપડ વડે ગળેટૂંપો આપી માથામાં પથ્થરના ઘા મારી હત્યા નિપજાવ અને મોબાઇલ તથા રોકડ અને પાકિટની લૂંટ કર્યાના બનાવમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હત્યા અને લૂંટનો ગુનો નોંધી શોધખોળ માટે ત્રણબત્તીથી સુભાષ બ્રીજ વિસ્તારના સીસીટીવી તપાસી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


