સતત યુઝર્સને પ્લેટફોર્મ પર જકડી રાખવાના આરોપો વચ્ચે મેટા કંપની ફરી એકવાર કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ છે. અમેરિકાના ટેનેસી રાજ્યમાં કંપની સામે ગંભીર કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આરોપ છે કે ઇન્સ્ટાગ્રામની ડિઝાઇન કિશોરોમાં સોશિયલ મીડિયાનું વ્યસન વધારે છે અને તેમના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પાડે છે.
રોઇટર્સના રિપોર્ટ પ્રમાણે, કોર્ટ ટૂંક સમયમાં જ એ બાબતની તપાસ હાથ ધરશે કે શું મેટાએ પોતાના ઉપભોક્તાઓ માટેના સુરક્ષા કાયદાઓનો ભંગ કરીને જાણીજોઈને આવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે?…
આંતરિક રિપોર્ટ્સ છુપાવવાનો આરોપ
ટેનેસીના એટર્ની જનરલ જોનાથન સ્ક્રિમેટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, મેટાના પોતાના આંતરિક સંશોધનમાં પણ સામે આવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ સગીરો માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. આમ છતાં, કંપનીએ આ ગંભીર તારણોને જાહેર કરવાને બદલે છુપાવી રાખ્યા હતા.
સંશોધન દર્શાવે છે કે ઇન્સ્ટાગ્રામ કેટલું નુકસાનકારક છે.
કેસની વિગતો અનુસાર, કંપનીના નિષ્ણાતો અને કર્મચારીઓએ સીઈઓ માર્ક ઝુકરબર્ગને આ નકારાત્મક પરિણામો વિશે અગાઉથી જાણ કરી હતી. તેમ છતાં, તેમણે આ સમસ્યાને ઉકેલવા માટે પૂરતું ભંડોળ ફાળવ્યું ન હોવાનું અને પ્લેટફોર્મની સુરક્ષા અંગે જાહેર મંચો પર ગેરમાર્ગે દોરનારા દાવા કર્યા હોવાનું સામે આવ્યું છે.
કડક દંડ અને એપમાં સુધારાની માંગણી
એટર્ની જનરલે અદાલત સમક્ષ મેટા પર આકરો આર્થિક દંડ ફટકારવાની સાથે ઇન્સ્ટાગ્રામમાં તાત્કાલિક ફેરફારો કરવાની માંગ કરી છે. ખાસ કરીને યુઝર્સને સ્ક્રીન સાથે બાંધી રાખતા ઓટોપ્લે ,રીલ્સ અને નોટિફિકેશન્સ જેવા ફીચર્સની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
કાનૂની રક્ષણ હેઠળ મેટાનો વિરોધ
સામે પક્ષે, મેટાએ આ આરોપોને ફગાવતા દલીલ કરી છે કે આ સમગ્ર મુદ્દો યુઝર્સ દ્વારા શેર કરવામાં આવતા કન્ટેન્ટ સાથે જોડાયેલો છે. કંપનીએ યુએસ ‘કોમ્યુનિકેશન્સ ડિસેન્સી એક્ટ’ની કલમ 230 (Section 230) નો સહારો લેતા સ્પષ્ટ કર્યું છે કે પ્લેટફોર્મ પર યુઝર્સ (થર્ડ પાર્ટી) દ્વારા મુકવામાં આવતી સામગ્રી માટે કંપનીને કાનૂની રીતે જવાબદાર ગણી શકાય નહીં.


