‘છોટીકાશી’નું ઉપનામ ધરાવતા જામનગર શહેરને ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ’માં બબ્બેવાર સ્થાન અપાવીને શહેરને ધર્મક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવનારા શ્રી બાલા હનુમાન મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધુનને આવતીકાલે 62 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે.
શહેરના તળાવની પાળ પર સંત સદ્દગુરૂદેવ પ્રેમભિક્ષુજી મહારાજે ‘શ્રીરામ જય રામ જય જય રામ’નો અખંડ મંત્ર જાપ તા. 01 ઓગષ્ટ 1964ના શુભ દિનથી કરાવ્યો હતો. જે નાદ આજે 62 વર્ષથી અવિરત રીતે બોલાઇ રહ્યો છે અને આવતીકાલ તા. 01 ઓગષ્ટ 2026ના આ અખંડ રામ નામ જાપ 63માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.
આ અવસરે આવતીકાલે તા. 01ના શ્રી બાલા હનુમાન મંદિરે વિવિધ મનોરથ દર્શનનો લાભ ભાવિકોને મળશે, સાથે જ સંઘ્યા મહાઆરતી પણ કરવામાં આવશે.
આ અખંડ રામધૂન પર પરમાત્માના એવા આશિર્વાદ રહ્યા છે કે, ટાઢ-તડકો-વરસાદ કે વાવાઝોડું-ભૂકંપ-અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ કે કોરોના જેવી મહામારીના કપરા કાળમાં પણ આ ધર્મસ્થાન પર અખંડ રામધુન સતત યથાવત રીતે ચાલી રહી છે, જે શ્રદ્ધાળુઓ માટે વરદાન બની રહી છે.
મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઇ લાલ આ અંગે જણાવ્યું છે કે, ‘છોટી કાશી’ના ધર્મસ્થાનની અખંડ રામધુન શહેરીજનોના સહયોગ અને પ્રભુની કૃપા વગર અવિરત રહી શકી ના હોત. જામનગરવાસીઓ અને મંદિરના સેવકો આ માટે જે સહયોગ શ્રદ્ધાભેર આપી રહ્યા છે તે અભિનંદનીય છે. રામધુનના વાર્ષિકોત્સવ પ્રસંગે દર્શનનો લાભ લેવા તેઓએ અનુરોધ કર્યો છે.
જામનગરના આ બાલા હનુમાન મંદિર પર હવે માત્ર જામનગરવાસીઓ કે હાલાર-સૌરાષ્ટ્ર કે ગુજરાતના દર્શનાર્થીઓની જ નહીં પરંતુ દેશ-દેશાવરના દર્શનાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે, જે આ ધર્મસ્થાનનું મહાત્મ્ય દર્શાવે છે.


