જામનગર જિલ્લાના ખેડૂતો દ્વારા વીજપોલ અને જમીન સંપાદન મુદ્દે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં વીજપોલ ઉભા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ જામનગર શહેરમાં એકત્ર થયા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો દ્વારા સરકાર અને વીજ કંપનીઓ સામે ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિરલ બાગ ખાતે એકત્ર થયા બાદ ખેડૂતો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે રામધુન ગાઈને અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ ગાંડુભાઈ પટારિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોની સંમતિ વિના ખેતરોમાં વીજપોલ ઉભા કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને વારંવાર નોટિસો આપી દબાણ કરવામાં આવી રહ્યું છે, જે યોગ્ય નથી. ખેડૂતોએ માંગ કરી હતી કે ખેડૂતોના ખેતરોમાંથી વીજપોલ તાત્કાલિક દૂર કરવામાં આવે અને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ મુદ્દે હવે ખેડૂતો કોઈપણ પ્રકારનું વળતર કે સમાધાન સ્વીકારવા તૈયાર નથી.
View this post on Instagram
ખેડૂત અગ્રણીઓએ દાવો કર્યો હતો કે જામનગર ઉપરાંત મોરબી સહિત રાજ્યના અનેક જિલ્લાઓના ખેડૂતો પણ આ મુદ્દે એકજૂથ થયા છે. જો સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ જવાબદાર રાજકીય આગેવાનોનો ઘેરાવ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને ગ્રામજનો જોડાયા હતા.


