જામનગર જિલ્લાના લાલપુરથી કેમિકલ ભરેલો ટાંકો ખંભાળિયા બાયપાસ તરફ જઇ રહ્યો હતો ત્યારે આ ટાંકાના ચાલકે ચાલુ ગાડીએ દેશી દારૂ પીતાં પીતાં જતાં સમયે બોલેરોને ઠોકર મારી નાશવાનો પ્રયાસ કરતાં સ્થાનિક લોકોએ પકડીને દેશી દારૂ સાથે ચાલકને પોલીસ હવાલે કર્યો હતો.
મળતી વિગત મુજબ લાલપુરથી કેમિકલ ભરેલો યુપી15 ઇટી 9273 નંબરનો ટાંકો ખંભાળિયા બાયપાસ તરફ જતો હતો અને આ ટાંકાનો ચાલક લાલપુર બાયપાસથી ચાલુ ટ્રકે દેશી દારૂ પીતો પીતો ટ્રક ચલાવતો હતો. નશાની હાલતમાં ટ્રક ચલાવતા ચાલકે એક બોલેરોને ઠોકર મારી હડફેટ લીધી હતી. ત્યારબાદ તેનો ટ્રક ભગાડી મૂકતાં અન્ય વાહનો આ ટાંકાની હડફેટે આવતાં આવતાં માંડ માંડ બચ્યા હતા. નશો કરેલી હાલતમાં પસાર થઇ રહેલા ટાંકાના ચાલકને ઝડપી લેવા એકઠા થઇ ગયેલા અન્ય વાહનચાલકોએ લાલપુર બાયપાસથી કનસુમરાના પાટિયા સુધી પીછો કરી ઝડપી લીધો હતો. લોકોએ ઝડપી લીધેલો ટ્રકચાલક અનહદ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમજ ટ્રકની કેબિનમાં પણ દેશી દારૂની કોથળીઓ હતો. આ સમગ્ર ઘટનાની જાણ કરાતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે નશામાં ચકચૂર ટ્રકચાલકની અટકાયત કરી કેબિનમાં દેશી દારૂની કોથળીઓ ભરેલ કેમિકલનો ટ્રક કબ્જે કરી ટ્રકચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.
View this post on Instagram


