જામનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હોય જામનગર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટયા હતા અને ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હતું. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી 2025નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી 2025 અંતર્ગત જામનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા. 22 જૂન, 2025 ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાશે, તેમજ આ ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.25 જૂન, 2025 ના રોજ મતગણતરી થશે. આ ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત, જામનગર જિલ્લામાં 327 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે જે પૈકી 266 ગ્રામ પંચાયતોમાં સામાન્ય-વિભાજન-મધ્યસત્ર તેમજ 61 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી પ્રક્રિયા યોજાશે. આજે ઉમેદવારીપત્રકો ભરવાની અંતિમ તારીખ હોય જામનગર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો રજૂ કરવા ઉમટયા હતા. આવતીકાલે ઉમેદવારી પત્રકોની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂન છે. અને તા. 22 જૂનના મતદાન હાથ ધરાશે.