દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ પાસે રાજકોટના એક આધેડનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે કલ્યાણપુર પોલીસ મથકે અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ન્યુ મહાવીર નગરમાં રહેતા અને ગેરેજનો ધંધો કરતા શૈલેષભાઇ પોપટભાઇ ધોકીયા (ઉ.વ. 52) ગત્ તા. 10-05-2026ના સાંજના પાંચેક વાગ્યાના સુમારે કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ પાસે હતા. આ દરમિયાન તેઓને અચાનક જ છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને નાકમાંથી ઉલટી જેવું પ્રવાહી નીકળવા લાગ્યું હતું.
તેઓને તાત્કાલિક સારવાર અર્થે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તપાસીને શૈલેષભાઇનું હાર્ટ એટેક આવવાથી અવસાન થયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મરણ જનારના ભાઈ હસમુખભાઇ પોપટભાઇ ધોકીયાએ કલ્યાણપુર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત (અ.મોત) નંબર 24/2026 અને બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ નોંધ કરી છે. બનાવની વધુ તપાસ કલ્યાણપુર પોલીસ મથકના પો.હે.કોન્સ ડી.એમ. બાવળિયા ચલાવી રહ્યા છે.


