લાલપુર ગામમાં આવેલા ગેસ્ટ હાઉસના પહેલાં માળેથી રાજસ્થાનના યુવકનું પગ લપસતાં નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચવાથી સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જામનગરની જી. જી. હોસ્પિટલના વોર્ડ નંબર એકમાં બેશુદ્ધ હાલતમાં સારવાર લઇ રહેલી અજાણી પ્રૌઢાનું મોત નિપજતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંડલ તાલુકાના લુહારિયા ગામનો વતની તોહિદખાન આઝાદખાન ચાંદખાન પઠાણ (ઉ.વ.21) નામના ખેતીકામ કરતો મુસ્લીમ યુવક લાલપુરમાં આવેલા લક્ષ્મી ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. જ્યાં ગત્ તા. 23 એપ્રિલના રાત્રિના સમયે યુવકનો પગ લપસી જતાં ગેસ્ટ હાઉસના પહેલાં માળેથી નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મંગળવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા આઝાદખાન પઠાણ દ્વારા જાણ કરાતા એએસઆઇ એ. એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરમાં આવેલી જી. જી. હોસ્પિટલમાં શૌચાલય નજીકથી બેશુઘ્ધ હાલતમાં મળી આવેલા 55 વર્ષીય અજાણ્યા પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી. તેમજ પ્રૌઢા અંગેની કોઇપણ જાણકારી મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 0288-2550244 પર સંપર્ક કરવા તપાસનીશ અધિકારીની યાદીમાં જણાવાયું છે.