ધ્રોલમાં ગઇકાલે પોણા બે ઇંચ વરસાદ, જામનગરમાં એક ઇંચ તથા જામજોધપુરમાં પોણો ઇંચ વરસ્યો હતો. જ્યારે ગઇકાલે અન્યત્ર વરસાદમાં વિરામ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેટલાંક સ્થળોએ એકથી બે ઇંચ સુધી પાણી વરસતાં ખેડૂતોમાં વાવણીલાયક વરસાદથી ખુશી છવાઇ હતી. જામનગર શહેરમાં આજે સવારથી વરસાદના વિરામ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
જામનગર શહેર-જિલ્લામાં ગુરૂવારે સાર્વત્રિક મેઘરાજાનો મુકામ જોવા મળ્યો હતો. જિલ્લામાં છ ઇંચ સુધી વરસાદ વરસી જતાં અનેક ડેમોમાં નવા નિરની આવક થવા પામી હતી. ત્યારબાદ ગઇકાલે મેઘરાજાનો થોડો વિરામ જોવા મળ્યો હતો. ગઇકાલે જામનગરમાં એક ઇંચ પાણી વરસ્યું હતું. છૂટાછવાયા ઝાપટાંથી માર્ગો સતત ભીના રહ્યાં હતાં. જ્યારે ધ્રોલ તાલુકામાં ગઇકાલે બપોરે પોણા બે ઇંચ વરસાદ વરસતાં માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. જામજોધપુર તાલુકામાં પણ ગઇકાલે દિવસભર સામાન્ય વરસાદી ઝાપટાંથી પોણો ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. જ્યારે અન્ય તાલુકાઓમાં મેઘરાજાનો વિરામ જોવા મળ્યો હતો.
જામનગરના તાલુકાઓમાં અત્યાર સુધી સીઝનના વરસાદની વાત કરીએ તો, જામનગર તાલુકામાં 216 મી.મી., જોડિયા તાલુકામાં 538 મી.મી., ધ્રોલ તાલુકામાં 225 મી.મી., કાલાવડ તાલુકામાં 343 મી.મી., લાલપુર તાલુકામાં 244 મી.મી. અને જામજોધપુર તાલુકામાં 356 મી.મી. વરસાદ વરસી ચૂકયો છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગઇકાલે છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. જેમાં જામનગર તાલુકાના વસઇમાં 13 મી.મી., લાખાબાવળમાં 12 મી.મી., મોટી બાણુંગારમાં 5 મી.મી., ફલ્લામાં 12 મી.મી., અલિયાબાડામાં 5 મી.મી.તથા દરેડમાં 23 મી.મી., જોડિયા તાલુકાના હડિયાણામાં 7 મી.મી., ધ્રોલ તાલુકાના લૈયારામાં 14 મી.મી., કાલાવડ તાલુકાના નિકાવામાં 7 મી.મી., ખરેડીમાં 10 મી.મી., મોટા પાંચદેવડામાં 22 મી.મી., જામજોધપુરના સમાણામાં 3 મી.મી., શેઠવડાળામાં 4 મી.મી., જામવાડીમાં 10 મી.મી., વાંસજાળિયામાં 25 મી.મી., ધુનડામાં 4 મી.મી., ધ્રાફામાં 15 મી.મી., પરડવામાં 8 મી.મી. તથા લાલપુર તાલુકાના પડાણામાં 5 મી.મી., ભણગોરમાં 6 મી.મી. તથા મોડપરમાં 3 મી.મી. પાણી વરસી ગયું હતું.