જામનગર જિલ્લાના મેઘપર ગામ પાસે સાંજના સમયે રસ્તો ઓળંગતા પ્રૌઢાને પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા બૂલેટના ચાલકે ઠોકર મારી ફંગોળી દેતાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટિયા પાસે આવેલા રાણી શીપ વિસ્તારમાં રહેતાં જેઠીબેન ભલાભાઇ ખપલ (ઉ.વ.52) નામના પ્રૌઢ ગત્ તા. 26ના સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં મેઘપર ગામ નજીક આવેલી આશાપુરા હોટલ સામેથી ચાલીને રસ્તો ક્રોસ કરતા હતા તે દરમ્યાન પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા બૂલેટ મોટરસાયકલા ચાલકે પ્રૌઢાને ઠોકરે ચઢાવી ફંગોળી દેતા રોડ પર પટકાયા હતાં. આ અકસ્માતમાં પ્રૌઢાને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ગત્રાત્રિના સમયે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર બકુલભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અકસ્માત સર્જી નાશી જનાર બૂલેટ ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી હતી.


