જામનગર શહેરના મેહુલનગર વિસ્તારમાં રહેતાં મહિલાએ વ્યાજે લીધેલ રકમ માટે વ્યાજખોરે મહિલાનું મકાન વેચાણ કરાર કરાવી લખાવી લઇ વધુ રૂપિયાની માંગણી કરી છેડતી કરી મહિલા તથા તેના પતિને પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પર આવેલા મેહુલનગર 80 ફુટ રોડની સિદ્ધિ પાર્કની શેરી નંબર બેમાં રહેતાં રશ્મિબેન ભીખુભાઇ ટાકોદારા (ઉ.વ.31) નામની મહિલાએ દિવ્યમ્ પાર્ક સોસાયટીના ઘનશ્યામ મોહન પટેલ નામના શખ્સ પાસેથી રૂા. 4,75,000 વ્યાજે લીધાં હતાં. આ રકમ પેટે વ્યાજખોરે મહિલાના મકાનનો વેચાણ કરાર કરાવી લખાવી લીધું હતું. તેમજ મહિલા પાસેથી પાંચ ટકા વ્યાજ અને અન્ય વ્યક્તિએ લીધેલા બે લાખનું 10% વ્યાજની ઉઘરાણી મહિલા પાસેથી કરતો હતો. તેમજ મહિલા અને અન્ય વ્યક્તિ પાસે વ્યાજખોરે બન્નેના સહી કરેલા કોરા ચેક પડાવી લીધા હતા. તેમજ વ્યાજખોર પાસેથી એટીએમ અને ચેકબૂક પરત માંગતા ઉશ્કેરાયેલા વ્યાજખોરે, “મારા રૂપિયા વ્યાજ સહિત આપી દેજો. નહીંતર તમારી મિલ્કતનું લખાણ મારી પાસે છે. તે કબ્જે કરી લઇશ.” તેમ કહી મહિલાની છેડતી કરી, ગાળો કાઢી, મહિલા અને તેણીના પતિને પતાવી દેવાની ધમકી આપી હતી.


