જામજોધપુર તાલુકાના વનાણા ગામથી ઇશ્ર્વરિયા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ભટિયા પૂલ પર પૂરપાટ આવતી કારે બાઇકને ઠોકર મારતા અકસ્માતમાં ચાલકનું મોત નિપજયું હતું. જ્યારે અન્ય વ્યકિતને ઇજા પહોંચી હતી.
આ અકસ્માતના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના કોઠાવીરડી નેશ વિસ્તારમાં રહેતાં રાજાભાઇ નામના યુવાન ગત્ તા. 26ના રોજ સાંજના સમયે નાથાભાઇ સાથે તેની બાઇક પર વનાણાથી ઈશ્વરિયા તરફ જતા હતા ત્યારે ભટિયા પૂલ નજીક પહોંચ્યા તે સમયે પાછળથી પૂરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી જીજે11 એબી 4340 નંબરની આઇ 20 મેગ્ના કારના ચાલકે યુવાનના બાઇકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલક રાજાભાઇને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમજ પાછળ બેસેલા નાથાભાઇને નાની મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માત બાદ કારચાલક નાશી ગયો હતો. ત્યારબાદ બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં રાજાભાઇનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની દેવસુરભાઇ ટાલિયા દ્વારા જાણ કરાતા પીઆઇ વી. સી. પટેલ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદહેનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી કરી હતી.


