Friday, July 17, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાના એસટીપી ઉપર પ્રદૂષણ બોર્ડની લાલઆંખ - VIDEO

જામનગર મહાનગરપાલિકાના એસટીપી ઉપર પ્રદૂષણ બોર્ડની લાલઆંખ – VIDEO

ટ્રીટમેન્ટ વગરનું ગંદુ પાણી દરિયામાં છોડાતું હોવાનો આક્ષેપ : ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા ઓચિંતુ ચેકિંગ : પ્લાન્ટની કામગીરી જાળવણી અને પ્રોસેસિંગ સીસ્ટમમાં ક્ષતિ

જામનગર શહેરમાં ગંદા પાણીના શુદ્ધિકરણને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ જામનગર મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે. બોર્ડ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ની કામગીરીમાં અનેક ખામીઓ સામે આવતા મહાનગરપાલિકાને સુધારા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

- Advertisement -

મળતી માહિતી મુજબ, શહેરમાંથી દરરોજ આશરે 70 મિલિયન લીટર ગંદુ પાણી એકત્ર થઈ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચે છે. પરંતુ પ્લાન્ટમાં જરૂરી મેન્ટેનન્સ અને ટેકનિકલ કામગીરી ચાલી રહી હોવાથી સમગ્ર ગંદા પાણીનું અસરકારક શુદ્ધિકરણ થઈ શકતું નથી. પરિણામે ટ્રીટમેન્ટ વિના અથવા અપૂર્ણ રીતે શુદ્ધ થયેલું પાણી દરિયામાં છોડવામાં આવતું હોવાનો મુદ્દો સામે આવ્યો છે.

- Advertisement -

તાજેતરમાં GPCB ની ટીમે પ્લાન્ટનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન પ્લાન્ટની કામગીરી, જાળવણી અને પ્રોસેસિંગ સિસ્ટમમાં ક્ષતિઓ જોવા મળી હતી. અધિકારીઓએ ટ્રીટમેન્ટ થયેલા તેમજ ટ્રીટમેન્ટ વિનાના પાણીના નમૂનાઓ પણ એકત્ર કરીને તેની લેબોરેટરી તપાસ કરાવી હતી. તપાસના આધારે પર્યાવરણ સંબંધિત નિયમોના પાલનમાં ગંભીર ખામીઓ સામે આવતા બોર્ડે મહાનગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવી જરૂરી સુધારાઓ તાત્કાલિક હાથ ધરવા સૂચના આપી છે.

- Advertisement -

સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ મહાનગરપાલિકા દ્વારા પ્લાન્ટની કામગીરીમાં સુધારા, મેન્ટેનન્સ અને જરૂરી ટેકનિકલ ફેરફારો શરૂ કરવામાં આવ્યા છે. બોર્ડને આ અંગે જવાબ પણ મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

જામનગર મહાનગરપાલિકા શહેરની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ઉભા કરી રહી છે. રાજનગર ખાતે 20 MLD અને ઢીંચડા ખાતે 30 MLD ક્ષમતાના નવા STP નું કામ પ્રગતિમાં છે અને તેના માટે જરૂરી મંજૂરી પ્રક્રિયા પણ આગળ વધી રહી છે.

હવે GPCB દ્વારા ટૂંક સમયમાં ફરી એકવાર સ્થળ પર નિરીક્ષણ કરીને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા સુધારાઓની વાસ્તવિક સ્થિતિની ચકાસણી કરવામાં આવશે. જો સુધારાઓ સંતોષજનક નહીં હોય તો વધુ કડક કાર્યવાહી થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલાએ શહેરમાં ગંદા પાણીના શુદ્ધિકરણ, દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ અને મહાનગરપાલિકાની કામગીરી અંગે નવા સવાલો ઉભા કર્યા છે. હવે GPCB ની આગામી તપાસમાં શું સ્થિતિ સામે આવે છે તેના પર સૌની નજર રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular