Wednesday, December 6, 2023
Homeઆંતરરાષ્ટ્રીયભડકે બળતું પાકિસ્તાન

ભડકે બળતું પાકિસ્તાન

- Advertisement -

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના તમામ વિસ્તારો સળગી ગયા છે. ઈમરાનના સમર્થકોએ સેના અને સુરક્ષા દળો પર વિવિધ સ્થળોએ હુમલા કર્યા હતા. લાહોરના કોર્પ્સ કમાન્ડરના ઘરને આગ લગાડવામાં આવી હતી. અહીં રાજયપાલનું નિવાસસ્થાન પણ હિંસાના નિશાનમાં આવ્યું હતું. પાકિસ્તાન ટીવીની ઓફિસને ઉડાવી દેવામાં આવી હતી. રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર દરોડો પાડ્યો. ઈમરાનના સમર્થકો પણ બન્નુ કેન્ટમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન સેના અને સુરક્ષા દળોના જવાનો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. મોડી રાત્રે સેના અને પાકિસ્તાન રેન્જર્સે ઈમરાન સમર્થકો પર કાર્યવાહી શરૂ કરી હતી. ઘણી જગ્યાએ જવાનોએ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ઉગ્ર કાર્યકરો પર ગોળીબાર કર્યો જે હિંસક બની ગયો. ઈમરાનના 10થી વધુ સમર્થકોના મોતના સમાચાર છે. પીટીઆઈએ ઈમરાન ખાનની ધરપકડ સામે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ત્યાં ચીફ જસ્ટિસની બેન્ચે સુનાવણી હાથ ધરી અને મંગળવારે મોડી રાત્રે ઈમરાન ખાનની ધરપકડને કાયદેસર ઠેરવી. આ પછી, પીટીઆઈ હવે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. જયાં આજે ઈમરાન ખાનના મુદ્દે સુનાવણી થવાની સંભાવના છે.

- Advertisement -

જો સુપ્રીમ કોર્ટ તરફથી રાહત નહીં મળે તો ઈમરાનના સમર્થકો વધુ ઉગ્ર બની શકે છે અને પાકિસ્તાન ગૃહયુદ્ધના મુખમાં જઈ શકે છે. પોતાના નેતાની ધરપકડથી ઈમરાનના સમર્થકો કેટલા નારાજ છે, તે દર્શાવે છે કે મોટાભાગના હુમલાઓ સેના વિરુદ્ધ હતા. નાના બાળકો પણ ‘યે જો આતંક ગારદી હૈ, ઉસકે પીચ વર્દી હૈ’ જેવા નારા લગાવતા સાંભળ્યા હતા. સૈન્ય અધિકારીઓના ઘરે ઉછરેલા મોરને પણ લોકોએ ન છોડ્યો અને તેમને લૂંટી લીધા. અન્ય ઘણા અધિકારીઓના ઘરનો સામાન પણ ટોળા દ્વારા આગચંપી અને લૂંટનો ભોગ બન્યો

પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી ગયો છે. પ્રદર્શનકારીઓ ઘણા શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘણા શહેરોમાં તોડફોડ અને આગચંપીના અહેવાલો છે. પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન શાહવાઝ શરીફના ઘર પર પણ ઘૂસણખોરી કરી છે. આજે સવારે પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના ઘરને આગ ચાંપી દીધી હતી. એટલું જ નહીં, સેનાના મુખ્યાલય અને કોપ્ર્સ કમાન્ડરના ઘરની પણ તોડફોડ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં લોકોના વિરોધને જોતા આગામી 30 દિવસ માટે કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે.

- Advertisement -

પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આગામી આદેશ સુધી શાળાઓ અને કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં સમગ્ર દેશમાં ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજે યોજાનારી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. વિરોધીઓ લાહોર કેન્ટમાં કોપ્ર્સ કમાન્ડર હાઉસ અને રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં પણ ઘૂસી ગયા હતા. અહીં ભીષણ તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરોધીઓએ અહીં કિંમતી સામાન પણ લૂંટી લીધો હતો.

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ મુજબ લાહોર, પેશાવર, કરાચી, ગિલગિટ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ડોન સમાચાર અનુસાર, મંગળવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ઈસ્લામાબાદમાં 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. ઈમરાનના સમર્થકોએ સેના અને સરકાર સામે ઓલઆઉટ વોર જાહેર કર્યું છે.

- Advertisement -

પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિને જોતા ટ્વિટર સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તે જ સમયે, પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ પુષ્ટિ કરી કે ગૃહ મંત્રાલયના નિર્દેશો પર દેશભરમાં મોબાઇલ બ્રોડબેન્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વોટ્સએપ અને ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા સાઇટ્સને પણ બ્લોક કરી દેવામાં આવી છે.

દરમિયાન, અમેરિકા અને બ્રિટને ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. બંને સરકારોએ પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારને આ મુદ્દાનો ઉકેલ શોધવા માટે કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં હિંસાને જોતા ચીન અને ઘણા દેશોએ પોતાના દૂતાવાસના અધિકારીઓ અને નાગરિકોને પરત ફરવા કહ્યું છે. મોબાઈલ ઈન્ટરનેટ, ફેસબુક, ટ્વીટર વગેરે બંધ હોવાને કારણે પાકિસ્તાનની તાજેતરની સ્થિતિના સમાચાર મોડેથી મળી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular