Saturday, June 14, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં એકતરફી પ્રેમીનો યુવતી ઉપર જીવલેણ હુમલો

ખંભાળિયામાં એકતરફી પ્રેમીનો યુવતી ઉપર જીવલેણ હુમલો

ધરાર પ્રેમસંબંધ રાખવા દબાણ : તલવાર અને ધોકા વડે હુમલા સબબ કુલ ત્રણ સામે ફરિયાદ

ખંભાળિયામાં રહેતી એક યુવતીને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતા વિશાલ સોમાભાઈ પારીયા નામના શખ્સ દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આ શખ્સના પિતા તેમજ ભાઈ દ્વારા પણ તલવાર અને ધોકાથી હુમલો કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગેની પોલીસ મથકે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રહેતી 22 વર્ષની એક યુવતીને અહીંના સંજયનગર વિસ્તારમાં રહેતો વિશાલ સોમાભાઈ પારીયા નામનો શખ્સ આશરે એકાદ વર્ષથી પીછો કરતો હતો અને વિશાલ દ્વારા આ યુવતી ને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, ધમકી આપવામાં આવતી હતી. આટલું જ નહીં, અવારનવાર વિશાલ દ્વારા યુવતીને જો તેણી પોતાની સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવતી હતી.

આ પરિસ્થિતિ વચ્ચે ગુરુવારે આ યુવતી તેમના એક પારિવારિક પ્રસંગમાં ઘરે જમવા ગઈ હતી, ત્યારે રાત્રીના આશરે નવેક વાગ્યાના સમયે માર્ગમાં વિશાલ પારીયાએ હાથમાં છરી લઈને આવી તેણીને અટકાવી હતી. આ પછી “તારે મારી સાથે સંબંધ રાખવા નથી તો આજે તને મારી નાખવી છે” તેમ કહીને છરાનો એક ઘા તેણીના છાતીના ભાગે મારી દીધો હતો.

- Advertisement -

આ પછી યુવતી ભાગવા જતા તેણી રસ્તામાં પડી ગઈ હતી અને વિશાલે આ યુવતીને મારી નાખવાના ઈરાદાથી શરીરના જુદા જુદા ભાગોમાં આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. આટલું જ નહીં, વિશાલનો ભાઈ વિનોદ સોમા પારીયા હાથમાં ખુલ્લી તલવાર લઈને તથા વિશાલના પિતા સોમા પારીયા હાથમાં લાકડાના ધોકા સાથે આવ્યા હતા અને યુવતી તેમજ અહીં દોડી આવેલા તેણીના પરિવારજનોને જીવતા કાપી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. આ ધડબડાટી દરમિયાન  સ્થાનિક લોકો એકત્ર થઈ જતા આરોપી પિતા-પુત્રો નાસી છૂટ્યા હતા અને ગંભીર રીતે લોહી-લોહાણ હાલતમાં યુવતીને અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીને શરીરમાં 55 ટાકા લેવામાં આવ્યા હતા.

આમ, બળજબરી પૂર્વ પ્રેમ સંબંધ રાખવાનું કહી, મારી નાખવાની ધમકી આપી, છરી વડે હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડવા સબબ વિશાલ સોમા પારીયા તેમજ આ પ્રકરણમાં તેના ભાઈ વિનોદ અને પિતા સોમાભાઈ પારીયા સામે યુવતીએ ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular