ગુરૂવારે બપોરના 1.39 કલાકે અમદાવાદથી લંડન જવા માટે ટેઇક ઓફ કરેલી એર ઇન્ડિયાની ફલાઇટ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઇ જતાં ધડાકા સાથે આગની જવાળાઓ લપેટાઇ ગઇ હતી. જેમાં 240 થી વધુ યાત્રિકોના મોત નિપજયા છે. આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ નિધન થયું છે. આ દુર્ઘટનામાં મૂળ ભાણવડની યુવતી અને તેના 3 વર્ષના પુત્રનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી વિગત મુજબ અમદાવાદમાં મેઘાણીનગર ખાતે ગઈકાલે બપોરે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ અકસ્માતગ્રસ્ત થતા આ વિમાનના સવાર 240 જેટલા યાત્રિકોના અકાળે અવસાન થયા છે. આ પ્લેન દુર્ઘટનામાં મૂળ ખાંભોદરના અને હાલ ભાણવડ ખાતે રહેતા રિધ્ધિબેન હરીશભાઈ ગોઢાણીયા (ઉ.વ. 25) તથા તેમના આશરે ત્રણ વર્ષના પુત્ર કિયાનનું પણ નિધન થયાનું સામે આવ્યું છે. આશરે એક માસ પૂર્વે લંડનથી તેઓ અહીં આવ્યા હતા. જે ગઈકાલે ગુરુવારે પરત જવા રવાના થતા કમનસીબે આ દુર્ઘટના સર્જાઇ હતી. મૃતક મહિલાના પતિ હરીશભાઈ લંડન ખાતે સ્થાયી થયા હોવાનું જાણવા મળેલ છે. માતા-પુત્રના અકાળે અવસાનથી તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
અમદાવાદ નજીક બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુઆંક હજી વધવાની શકયતા છે. આ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ આજે ઘટના સ્થળની મુલાકાત લઇ નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ હોસ્પિટલે સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી. પ્લેન ક્રેશની ઘટના સંદર્ભે સમગ્ર વિશ્વએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કોઇપણ મદદ આપવાની ભારતને ખાતરી આપી હતી.