કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા માધા મોહન નકુમ નામના યુવાન પાસે એક્સપ્લોઝિવનું લાયસન્સ હોય, અને પોતાના ખેતરમાં ગોડાઉન ચલાવતા હોય, તેમની પાસે એક્સપ્લોઝનું લાયસન્સ રીન્યુ કરવા તથા માલ સામાન નાખવા માટે પૈસા ન હતા. જેથી તેણે બોટાદ ખાતે રહેતા ચેતનભાઈ ડાયાભાઈ રાવલ નામના 52 વર્ષના બ્રાહ્મણ યુવાનનો સંપર્ક કર્યો હતો અને તેઓએ ભાગીદારીમાં ઉપરોક્ત ધંધો કરવાનો નક્કી કર્યું હતું.
પોતાના ગોડાઉનમાં માલ સામાન નખાવી અને બેંક તથા પોતાના ઉપયોગ માટે આરોપી માધા મોહન નકુમ તેમજ વિપુલ મોહન નકુમ અને વિપુલ માઘા નકુમ નામના ત્રણ શખ્સોએ એકબીજાની મદદગારી કરી અને ફરિયાદી ચેતનભાઈ પાસેથી રૂપિયા 8 લાખ 40 હજારની રકમ લીધી હતી. જે રકમ પડાવી લઈ અને પરત ન કરી, ત્રણેય આરોપીઓએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.