સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખની પણ ગુરુવારે આખરે વિધિવત રીતે જાહેરાત થઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીને રીપીટ કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તત્કાલીન પ્રમુખ ખીમભાઈ જોગલના સમયગાળામાં તેમની તબિયત નાદુરસ્ત બનતા તેમની મહત્વની જવાબદારીઓ સુપેરે સાંભળનારા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મયુરભાઈ ગઢવીને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખનું સુકાન સોંપવામાં આવ્યું હતું. ત્યારે તેમના વડપણ હેઠળ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપરાંત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમના દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત તાજેતરમાં યોજાઈ ગયેલી નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ તેમની કામગીરી નોંધનીય બની રહી હતી. ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિતના ઉચ્ચ નેતાઓના સંપર્કમાં રહી, તેમના દ્વારા પાર્ટીને વધુ મજબૂત બનાવવાની કામગીરી નોંધનીય બની રહી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના મુખ્ય કાર્યાલય “દ્વારકેશ કમલમ” જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં બનાવવા માટે પણ તેમના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તમામ કામગીરી વચ્ચે તેમના હોદ્દાની મુદત પૂરી થતાં ભાજપના મોવડી મંડળ દ્વારા તેમને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી વધુ એક વખત સોંપવામાં આવી છે.
ગુરુવારે બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી હિરેનભાઈ હિરપરાએ વિધિવત રીતે મયુરભાઈ ગઢવીની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જાહેરાત કરાતા તેમની આ નિયુક્તિને ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ઉપરાંત દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સહિતના હોદ્દેદારો અને આગેવાનોએ આવકારીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.