જામનગર શહેરમાં સિનિયર સિટીઝનને શેરબજારમાં રોકાણ કરી વધુ નફો કમાવી દેવાની લાલચ આપીને રૂપિયા 1.81 કરોડની ઓનલાઇન છેતરપિંડીના ગુનામાં બેન્ક એકાઉન્ટ પૂરા પાડનાર રાજકોટના મજૂરીકામ કરતાં શખ્સને સાયબર ક્રાઇમ પોલીસે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દેશભરમાં ડીજીટલ ટ્રાન્જેકશન દિવસેને દિવસે અનેકગણું વધતું જાય છે. ડીજીટલ ટ્રાન્જેકશન વધવાના કારણે જેની સામે ડીજીટલ છેતરપિંડીના બનાવોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ઓનલાઇન વધતા જતા ગુનાઓ ડામવા માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જાનજાગૃતિ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે તેમ છતાં દરરોજ અનેક લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. દરમ્યાન જામનગરમાં પણ ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. હાલમાં જ શહેરમાં સિનિયર સિટીઝન સાથે ઠગટોળકીએ પૂર્વ આયોજિત કાવતરૂં રચી શેરબજારમાં રોકાણ કરી વધુ નફો કમાવી દેવાની લાલચ આપી તા. 30-09-2024 થી 23-10-2024 સુધીના એક મહિના જેટલા સમય દરમ્યાન સિનિયર સિટીઝનને જુદા જુદા શેરોમાં 1 કરોડ 81 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને ત્યારબાદ આ રકમ પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી.
ઓનલાઇન છેતરપિંડીના આ ગુનામાં જુદા જુદા બેન્ક એકાઉન્ટ પૂરા પાડનાર આરીફ રાવમા નામના રાજકોટના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઇ આઇ. એ. ધાસુરાની સૂચનાથી પીએસઆઇ એન. પી. ઠાકુર, હે.કો. કુલદીપસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે રાજકોટના નવા થોરાડાની આરાધના સોસાયટીમાં રહેતાં આરીફ રહીમ ઓસમાણ રાવમા (ઉ.વ.20) નામના મજૂરીકામ કરતાં શખ્સને સાયબર ક્રાઇમ પોલીસે દબોચી લઇ આગળની પૂછપરછ હાથ ધરી હતી.