જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતાં યુવાન દ્વારા ખેતરમાંથી ટ્રેકટર દ્વારા માટી ભરી રહ્યા હોવાનો વીડિયો ઉતારી વાયરલ કરવા બળજબરીપુર્વક ત્રણ હજાર રૂપિયા પડાવ્યાના બનાવમાં કહેવતા પત્રકાર સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલા મફતિયાપરામાં રહેતા અને ક્ધસ્ટ્રકશનનો વ્યવસાયી થતા વેપાર કરતા બકાભાઈ જહાભાઈ બાંભવા નામના યુવાન ગત તા. 22 માર્ચના રોજ બપોરના સમયે ગામની સીમમાં આવેલા ભરતભાઈ દલસાણિયાના ખેતરમાંથી ટે્રકટર દ્વારા માટી ભરતા હોવાનો પ્રવિણ કરશન પરમાર (રહે. ખંભાળિયા) અને પુંજા કમા ચાવડા (રહે. જામનગર) તથા વૈશાલીબેન મનિષ ધામેચા (રહે. જામનગર), જયોતિબેન હેમંત મારકણા (જામનગર), વિરુબેન સવજીભાઇ પરમાર (જામનગર) સહિતના પાંચ શખ્સોએ પત્રકાર તરીકેની ઓળખ આપી માટી ભરતા હોવાનો વીડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ વેપારી યુવાનને આ વીડિયો વાયરલ કરવાનું કહી બળજબરીપૂર્વક ત્રણ હજાર રૂપિયા પડાવી લીધા હતાં.ત્યારબાદ વેપારી યુવાન દ્વારા પાંચ શખ્સો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કહેવતા પત્રકાર સહિતના પાંચેય શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.