જામનગર ખાતે પરમ પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસરે શ્રી ગુગળી બ્રાહ્મણ સમસ્ત જ્ઞાતિ દ્વારા ભવ્ય અને ભક્તિમય “શ્રી લઘુ વિષ્ણુ પંચકુંડી યજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર તા. 24 મે, 2026 ના રોજ યોજાયેલા આ એક દિવસીય યજ્ઞમાં સમગ્ર જ્ઞાતિના કલ્યાણ, સુખ-સમૃદ્ધિ અને લોકહિતની ભાવના સાથે વૈદિક પરંપરા મુજબ ધાર્મિક વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર, હવનની પવિત્ર સુગંધ અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર સ્થળ આધ્યાત્મિક ઊર્જાથી છલકાઈ ઉઠ્યું હતું.
આ પવિત્ર યજ્ઞમાં યજમાન પદે લક્ષેશભાઈ વાયડા, વિક્રમ ઠાકર, દર્શનભાઈ ઠાકર, પ્રવીણભાઈ દવે તથા કિશોરીબેન પુરોહિતે ભાવપૂર્વક ભાગ લઈ વૈદિક વિધિ અનુસાર યજ્ઞકાર્ય પૂર્ણ કર્યું હતું. યજ્ઞના આચાર્ય તરીકે કપિલ શાસ્ત્રીએ વિધિવત્ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જ્યારે જ્ઞાતિના ગોર નાનુ મહારાજે સમગ્ર યજ્ઞવિધિનું સુચારૂ સંચાલન સંભાળ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સ્નાનવિધિ, ગણેશ પૂજન, સ્થાપિત દેવોના પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી પુરુષસૂક્ત અને શ્રી સૂક્તના ગુંજતા મંત્રોચ્ચાર વચ્ચે પંચકુંડી યજ્ઞમાં યજમાનશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનો દ્વારા આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. ભક્તિભાવથી યોજાયેલા આ યજ્ઞ દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનામ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તજનોએ શ્રદ્ધાભાવે સહભાગી બની ધર્મલાભ મેળવ્યો હતો.
View this post on Instagram
કાર્યક્રમમાં વિશેષ માન-સન્માન સાથે દ્વારકા સ્થિત માતૃ સંસ્થા “દ્વારકા ગુગળી બ્રાહ્મણ 505 સમસ્ત”ના પ્રમુખ તેમજ મધ્યસ્થ સભાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકા સમસ્તના પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાય, નંદકિશોરભાઈ મીન, સન્નીભાઈ પુરોહિત તથા કિર્તનભાઈ પાઢ વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે સમગ્ર જ્ઞાતિને એકતા, સંસ્કાર અને ધાર્મિક કાર્યોમાં સતત જોડાયેલા રહેવા માટે પ્રેરણા આપી હતી.
વિશેષમાં સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર આશિષ જોશી તથા હિરેનભાઈ કનૈયાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી શુભકામનાઓ પાઠવી હતી. તેમની ઉપસ્થિતિથી કાર્યક્રમની શોભામાં વધારો થયો હતો અને જ્ઞાતિજનોમાં ઉત્સાહ અને આનંદની લાગણી પ્રસરી હતી.
યજ્ઞ પ્રસંગે વિવિધ દાતાશ્રીઓ તેમજ જ્ઞાતિના પરિવારો દ્વારા ઉત્સાહભેર સહયોગ આપવામાં આવ્યો હતો. બપોરે ફળાહાર અને સાંજે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. યજમાનશ્રીઓ તેમજ જ્ઞાતિના દરેક કુટુંબ દ્વારા યથાશક્તિ સહભાગિતા નોંધાવી ધર્મકાર્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના પ્રમુખ શરદ વાયડા, ઉપપ્રમુખ પ્રવીણભાઈ દવે, મંત્રી વિવેક પાઢિયા સહિત સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. તેમના સુચારૂ આયોજન અને સંકલનના પરિણામે આ ધાર્મિક કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મંડળ તરફથી પણ નોંધપાત્ર સહકાર પ્રાપ્ત થયો હતો. જામનગર શ્રી ગુગળી બ્રાહ્મણ મહિલા મંડળના પ્રમુખ માધવીબેન ઠાકર તથા તમામ કારોબારી સભ્યો સક્રિય રહી કાર્યક્રમને સફળ બનાવવામાં જોડાયા હતા. જાણીતા એનાઉન્સર તૃપ્તિબેન પ્રમોદભાઈ ઠાકરે કાર્યક્રમ દરમિયાન સુંદર રીતે સંચાલન કર્યું હતું, જ્યારે જ્ઞાતિના પૂર્વ પ્રમુખ મૃણાલભાઈ ઠાકર પણ સહભાગી બન્યા હતા. મહિલા મંડળની ટીમે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંભાળ્યું હતું.
આ ભવ્ય ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના લોકોએ હાજરી આપી ભક્તિભાવ સાથે યજ્ઞમાં સહભાગી બની ધર્મલાભ મેળવ્યો હતો. કાર્યક્રમના અંતે જ્ઞાતિના કારોબારી સભ્ય નીરવભાઈ મીને આભારવિધિ વ્યક્ત કરી હતી.


