માર્ગો પર વાહન અકસ્મતોના બનાવો અવાર-નવાર બનતા રહે છે જેમાં લોકોના મૃત્યુ થવાના બનાવો પણ બનતા હોય છે. ત્યારે બાઈકચાલકો દ્વારા હેલ્મેટ તથા મોટરકારચાલકો દ્વારા સીટ બેલ્ટ પહેરવામાં આવ્યા હોય તો આવા અકસ્માતોથી બચી શકાય છે અને મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય છે અને જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના સમર્પણ સર્કલ નજીક મોડીરાત્રિના સમયે હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ હતી અને લોકોને હેલ્મેટ પહેરવા અંગે માહિતગાર કરી જનજાગૃત્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પોલીસ દ્વારા આ અંગે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જામનગરના એએસપી અક્ષેસ ઈંજીનીયર ટ્રાફિક પીઆઇ એમ. બી. ગજ્જર, આરટીઓ ઈન્સ્પેકટર એચ.કે. પ્રજાપતિ સહિતના અધિકારીઓનો કાફલો ગઈકાલે મોડીરાત્રિના સમર્પણ સર્કલ નજીક આ હેલ્મેટ ડ્રાઈવમાં જોડાયો હતો. અને હેલ્મેટ પહેર્યા વિના બાઈકચાલકોને રોકી માહિતગાર કરવામાં આવ્યા હતાં અને હેલ્મેટ પહેરવા માટે અનુરોધ કર્યો હતો. તેમજ આ અંગે આગામી દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.